બ્રહ્માકુમારી રિવાજ પ્રમાણે સિદ્ધાર્થ શુક્લાના અંતિમ સંસ્કાર
નવી દિલ્હી, બિગબોસ-13 વિજેતા સિદ્ધાર્થ શુક્લાનું ગુરૂવારે અવસાન થયું હતું. તેમના મૃત્યુને લઈ ટીવી અને ફિલ્મ જગતના કલાકારો ખૂબ જ ગમગીન છે. આજે મુંબઈના ઓશિવારા ખાતે સિદ્ધાર્થના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. ખાસ વાત એ છે કે, સિદ્ધાર્થના અંતિમ સંસ્કાર બ્રહ્માકુમારી રીત રિવાજો પ્રમાણે થયા. સિદ્ધાર્થ અને તેમના માતા અનેક વર્ષોથી બ્રહ્માકુમારી સેન્ટર સાથે સંકળાયેલા છે. સિદ્ધાર્થ હંમેશા બ્રહ્માકુમારી સેન્ટર જતા હતા.
બ્રહ્માકુમારીના તપસ્વિની બહેને સિદ્ધાર્થના મૃત્યુનું દુખ વ્યક્ત કર્યું હતું. તેમણે જણાવ્યું કે, ‘સિદ્ધાર્થની અંતિમ યાત્રાની વિધિમાં તેમના અજર અમર અવિનાશી આત્માના નિમિત્ત તે સૌ ત્યાં બેસીને મેડિટેશન કરશે અને સિદ્ધાર્થના પાર્થિવ શરીરને તિલક લગાવશે. સુખડ અને ફૂલોનો હાર પહેરાવશે. બધા જ ઓમનો ધ્વનિ કરશે. પરમાત્મા સાથે જોડતા મેડિટેશન દ્વારા સિદ્ધાર્થને શુભકામના, શુભભાવના આપશે. તેમને શ્રદ્ધાંજલિ, પુષ્પાંજલિ અને સ્નેહાંજલિ આપશે. આ પ્રકારની વિધિ કરવામાં આવશે. અમને બધાને સિદ્ધાર્થના જવાનું ખૂબ દુખ છે. તે અમારા પ્રિય ભાઈ હતા.’
તપસ્વિની બહેને અભિનેતાની પ્રશંસા કરતા કહ્યું કે, તે એક સારા અને ભલા વ્યક્તિ હતા. તેઓ મેડિટેશનનો અભ્યાસ કરતા હતા. તેમણે બ્રહ્માકુમારીના 7 દિવસના કોર્સનો અભ્યાસ પણ કર્યો હતો. બ્રહ્માકુમારીનો ડેઈલીનો ડિસકોર્સ સ્ટડી કરીને પોતાની લાઈફમાં લાગુ કરતા હતા. આ કારણે તેઓ હંમેશા બ્રહ્માકુમારી સેન્ટર સાથે જોડાયેલા રહેતા હતા. સિદ્ધાર્થે રક્ષાબંધન વખતે ત્યાંની મુલાકાત લીધી હતી.