બ્રહ્મોસ-બરાક મિસાઈલથી લેસ વિધ્વંસક યુદ્ધજહાજ નેવીમાં સામેલ
નવી દિલ્હી, ભારતીય નૌસેનાને તેનું પહેલું PB15 સ્ટેલ્થ ગાઈડેડ મિસાઈલ ડિસ્ટ્રોયર મળી ગયું છે. આ એક એવું યુદ્ધ જહાજ છે જેનાથી દુશ્મનોનો પરસેવો છૂટી જાય છે. આ વિધ્વંસક યુદ્ધ જહાજમાં ભારતની સૌથી શક્તિશાળી મિસાઈલ બ્રહ્મોસ અને બરાક મિસાઈલ્સ લાગેલી છે. આ યુદ્ધ જહાજ દુશ્મનનું જહાજ જોવે એ સાથે જ પોતાના ડેક પરથી એન્ટી એરક્રાફ્ટ મિસાઈલ લોન્ચ કરી શકે છે.
PB15 સ્ટેલ્થ ગાઈડેડ મિસાઈલ ડિસ્ટ્રોયરને આઈએનએસ વિશાખાપટ્ટનમ નામ આપવામાં આવ્યું છે. તેને મઝગાંવ ડોક શિપબિલ્ડર્સે બનાવ્યું છે. ભારતીય નૌસેનાએ આ વિધ્વંસક યુદ્ધ જહાજ રીસિવ કર્યા બાદ ટ્વિટ કરી હતી કે, વિશાખાપટ્ટનમ પહેલું સ્વદેશી PB15 સ્ટેલ્થ ગાઈડેડ મિસાઈલ ડિસ્ટ્રોયર છે. તે ફક્ત ભારતીય નૌસેનાની તાકાત જ નહીં વધારે પણ આત્મનિર્ભર ભારતને લઈ ચલાવવામાં આવી રહેલી મુહિમને પણ આગળ લઈ જશે.
આઈએનએસ વિશાખાપટ્ટનમ સ્ટેલ્થ ગાઈડેડ મિસાઈલ ડિસ્ટ્રોયરને બનાવવાની શરૂઆત 12 ઓક્ટોબર, 2013ના રોજ થઈ હતી. 31 ઓક્ટોબર, 2021ના રોજ તેની ભારતીય નૌસેનાને સોંપણી કરવામાં આવી હતી. 7400 ટન વજન ધરાવતું આ યુદ્ધ જહાજ 535 ફૂટ લાંબુ છે અને તેને ટ્વિન જોર્યા M36E ગેસ ટર્બાઈન પ્લાન્ટ, બર્જેન કેવીએમ ડીઝલ એન્જિન જેવા શક્તિશાળી એન્જિન તાકાત આપે છે.
યુદ્ધ જહાજની મહત્તમ ગતિ 56 કિમી પ્રતિ કલાકની છે અને જો તે 26 કિમી પ્રતિ કલાકની ઝડપે ચાલે તો તેની રેન્જ 7,400 કિમીની છે. આ યુદ્ધ જહાજ પર એકસાથે 300 નૌસૈનિકો રહી શકે છે જેમાં 50 ઓફિસર અને 250 સેલર્સ સામેલ છે. તેમાં સુરક્ષા માટે ડીઆરડીઓ દ્વારા બનાવવામાં આવેલું ઈલેક્ટ્રોનિક વોરફેર શક્તિ ઈડબલ્યુ સુઈટ અને કવચ ચૈફ સિસ્ટમ લાગેલી છે.