બ્રાન્ડેડ કંપનીના નામે કપડાં વેચી લોકોને છેતરતા ર ગઠિયા પકડાયા

વડોદરા, વડોદરા શહેરના એરપોર્ટ સર્કલ નજીક આવેલા મિલન પાર્ટીપ્લોટની પાસે બ્રાન્ડેડ કંપનીના નામે ગ્રાહકોને ડુપ્લીકેટ મટિરિયલ પધરાવતા સંચાલક સહિત બે ભેજાબાજાેની પોલીસે ધરપકડ કરી પ.૭૪ લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
મુંબઈ સ્થિત નેત્રિકા કન્સલ્ટિંગ પ્રાઈવેટ લિમિટેડ કંપની ટ્રેડમાર્કના હકકોના રક્ષણનું કામ કરે છે. આ કંપનીને વડોદરાના એરપોર્ટ સર્કલ પાસે મિલન પાર્ટી પ્લોટની બાજુમાં લીવાઈસ કંપનીના કોપીરાઈટનો ભંગ થતો હોવાની ફરિયાદ મળી હતી. જેના આધારે કંપનીની ટીમે હરણી પોલીસને સાથે રાખી માહિતીવાળા સ્થળે દરોડો પાડયો હતો.
પોલીસે કાઉન્ટર ઉપર હાજર મેનેજર મિલન મહેન્દ્રભાઈ વૈદ્ય (રહે- મિલન પાર્ટી પ્લોટ, મૂળ રહે- મુંબઈ) અને સંચાલક હર્ષલ બીપીનભાઈ આસર (રહે- મિલન પાર્ટી પ્લોટ, મૂળ રહે- જામનગર)ને ઝડપી પાડી તપાસ આરંભી હતી.
આ દરમિયાન લીવાઈસ કંપનીના ૧પ નંગ જેકેટ, ૬૦ નંગ કોટન જીન્સ, ર૮પ નંગ જીન્સ પેન્ટ, ૧૬ નંગ શર્ટ, ર૬ર નંગ શુઝ અને ર૭ નંગ સ્લીપર મળી આવ્યા હતા.
સંચાલક પાસે લીવાઈસ કંપનીની પ્રોડકટ વેચવા બદલ કોઈ પુરાવો મળી ન આવતા પોલીસે કુલ પ,૭૪,૩૦૦ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આમ આરોપીઓએ ગ્રાહકોને બ્રાન્ડેડ મટીરિયલના નામે ડુપ્લીકેટ મટિરિયલ પધરાવી છેતરપિંડી સાથે કોપીરાઈટના નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું. આરોપીઓએ અગાઉ આ પ્રકારે ગુનો આચર્યો છે કે કેમ? તેમજ આ ગુનામાં અન્ય કોઈ શખસની સંડોવણી છે કે કેમ? તે દિશામાં વધુ તપાસ અર્થે પોલીસે રિમાન્ડની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.