બ્રિટનના રાજવી પરિવારને ૪.૫ કરોડ ડોલરનો ફટકો
લંડન, બ્રિટનના ક્વીન એલિઝાબેથ અને તેમના પરિવારને કોરોના વાઇરસને કારણે ૩.૫ કરોડ પાઉન્ડ (૪.૫ કરોડ ડોલર)નો ફટકો પડ્યો છે. રાજવી કુટુંબના મની મેનેજરે જણાવ્યું હતું કે, રાણીની આવકમાં ઘટાડો થવાનું આંશિક કારણ પર્યટકોની ગેરહાજરી છે.
રાજવી પરિવારનો વાર્ષિક હિસાબ જાહેર કરતી વખતે માઇકલ સ્ટિવન્સે જણાવ્યું હતું કે, કોરોનાને પગલે રાજવી પરિવારના મહેલ અને અન્ય ઇમારતોની મુલાકાત લેતા પર્યટકો પાસેથી થતી આવક બિલકુલ બંધ થઈ હોવાથી ત્રણ વર્ષના ગાળામાં ૧.૫ કરોડ પાઉન્ડ (૧.૯ કરોડ ડોલર)ની ઘટ પડવાનો અંદાજ છે.
સ્વિવન્સે કહ્યું હતું કે, “કોરોનાની મહામારીને કારણે ૧૦ વર્ષમાં રાજવી પરિવારની આવક બે કરોડપાઉન્ડ (૨.૫૪ કરોડ ડોલર) ઘટવાની શક્યતા છે. તેને લીધે ક્વીન એલિઝાબેથ-૨ દ્વારા ખર્ચમાં કાપ મૂકવાનો ર્નિણય લેવાયો છે.અધિકારીઓના જણાવ્યા અનુસાર રોયલ પેલેસનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જૂનું થઈ રહ્યું છે.
અગાઉ બીજા વિશ્વયુદ્ધ વખતે તેનું અપગ્રેડેશન કરવામાં આવ્યું હતું. સ્ટિવન્સે કહ્યું હતું કે, “રાજવી પરિવાર મહેલના સમારકામ માટે સરકાર પાસે વધુ રકમ નહીં માંગે. તે પોતાના પ્રયાસો અને ક્ષમતા દ્વારા આ કામ પૂરું કરશે.”
હિસાબો દર્શાવે છે કે, બ્રિટનના કરદાતાઓએ માર્ચમાં પૂરા થયેલા વર્ષમાં રાજવી પરિવાર પાછળ ૬.૯૪ કરોડ પાઉન્ડ (૮.૮૨ કરોડ ડોલર) ખર્ચ કર્યો છે, જે અગાઉના નાણાકીય વર્ષની તુલનામાં ૨૪ લાખ પાઉન્ડ (૩૧ લાખ ડોલર)ની વૃદ્ધિ દર્શાવે છે.SSS