બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોન્સન એરપોર્ટથી ગાંધીઆશ્રમ સુધી રોડ શો કરશે
અમદાવાદ, રાજ્યમાં વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત અન્ય દેશોના વડાપ્રધાન પણ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. 21મી એપ્રિલે બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોન્સન તેમના ભારત પ્રવાસની ગુજરાતથી શરૂઆત કરશે. બોરિસ જોન્સન ગુજરાત આવનારા પ્રથમ બ્રિટિશ પીએમ છે. 21મીએ સવારે આઠ વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર આવશે.
વડાપ્રધાન બોરિસ જોન્સન એરપોર્ટથી ગાંધીઆશ્રમ રોડ શો કરીને જશે. એરપોર્ટથી તાજ સર્કલ, કેમ્પ હનુમાન, ડફનાળા, સુભાષબ્રિજ થઈ ગાંધીઆશ્રમ પહોંચશે. જેની મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ દ્વારા તૈયારીઓ કરી દેવામાં આવી છે. આ રોડ શોમાં મોટી સંખ્યામાં લોકો જોડાય તેવું આયોજન પણ કરવામાં આવ્યું છે. સમગ્ર રૂટ પર ગુજરાત અને ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતાં કાર્યક્રમ સ્ટેજ પણ બનાવવામાં આવશે.
અમદાવાદ એરપોર્ટ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બોરિસ જોન્સનનું સ્વાગત કરશે. તેઓ સૌપ્રથમ રોડ શો કરી સાબરમતી આશ્રમની મુલાકાત લેશે. બાદમાં ઉદ્યોગપતિ ગૌતમ અદાણીને મળવા માટે અદાણી ટાઉનશિપ જશે.
ત્યાર બાદ તેઓ વડોદરાના હાલોલ ખાતેના જેસીબી પ્લાન્ટની મુલાકાત લેશે. બોરિસ જોન્સનની મુલાકાતના સમગ્ર કાર્યક્રમનું શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું નથી.
સૂત્રોએ જણાવ્યું છે કે ગુજરાતમાં બિઝનેસ ડેલિગેશન સાથે તેમની કોઈ મુલાકાત ગોઠવાઈ નથી. તેઓ વડાપ્રધાન મોદીને 22 એપ્રિલે દિલ્હીમાં જ મળવાના છે. તેમની ગુજરાતમાં માત્ર ગૌતમ અદાણી સાથે જ મુલાકાત ગોઠવાઈ હોવાનું જાણવા મળ્યું છે.