બ્રિટનની ઉડતી આંખની હોસ્પિટલઃ જયાં થાય છે લોકોની આંખોની સર્જરી
ઓરબિસના તબીબી સ્ટાફે અત્યાર સુધીમાં દોઢ કરોડ જેટલા દર્દીઓની આંખોની તપાસ સ્ક્રિનિંગ, ૪ લાખથી વધુ આંખોની સર્જરી- લેસર સારવાર કરી છે.
બ્રિટનની ORBIS ફ્લાઈંગ આઈ હોસ્પિટલ દ્વારા કરોડો લોકોની આંખોની સારવાર, લાખો સર્જરીઃ વિશ્વભ્રમણના ચાર દાયકા વિતાવનારા વિમાનમાં આધુનિક ઓપરેશન થિએટર, નિષ્ણાત ડોકટરો- ક્રૂ ઃ સખાવત અને સેવાનું અભૂતપૂર્વ દ્રષ્ટાંત
હવામાં ઉડતાં વિમાનને જાેવું આજે પણ રોમાંચક અને વિમાનમાં મુસાફરીનો અહેસાસ અનોખો હોય છે.
વિમાનો ઘણા જાેયા હશે પરંતુ અહીં વાત છે ખાસ વિમાન ‘ઓરબિસ’ની જે એક હોસ્પિટલ છે અને છેલ્લા ૪ દાયકાથી વિશ્વભરમાં ભ્રમણ કરી આંખના દર્દીઓની સારવારમાં યોગદાન આપી રહી છે. આંખના દર્દીઓને સારવાર માટે એરપોર્ટ જવું પડે છે જયાં આ વિમાન પાર્ક થયેલું હોય છે.
વિશ્વના જે દેશમાં ઓરબિસ લેન્ડ થાય ત્યાં એરપોર્ટ અમુક દિવસ તેના મુકામ હોય છે અને આંખોની સારવાર, સર્જરી બાદ તે ઉડી જાય છે. ૧પ૦ લાખ ડોલરના ખર્ચે સૌપ્રથમ એક યાત્રી વિમાનને હોસ્પિટલમાં બદલ્યા બાદ તેની સેવાની ઉડાન દાયકાઓથી અવિરત ચાલી રહી છે. આંખોની બીમારીથી પીડિત લાખો દર્દીઓની ઓરબિસની સારવાર થકી નવજીવન મળ્યું છે.
બ્રિટનની કંપની ઓરબિસ ઈન્ટરનેશનલ દ્વારા આંખની ફલાઈંગ હોસ્પિટલ શરૂ કરાયાને જાેતજાેતામાં ૪૦ વર્ષ વિતી ચૂક્યા છે. કોરોના કાળમાં વિમાનની ઉડાનને બ્રેક લાગી હતી પરંતુ વચ્ર્યુઅલ તેની સેવા ચાલતી રહી હતી સ્થિતિ થાળે પડતાં ઓરબિસ ફરી ટેકઓફ કરવા લાગ્યું છે.
એક વિઝન સાથે શરૂ થયેલી આ સેવા આજે વૈશ્વિકસ્તરે વિખ્યાત છે. એક સામાન્ય વિમાનને હરતી ફરતી ઉડતી હોસ્પિટલમાં બદલી નાંખી દુનિયાભરમાં દર્દીઓની સેવા કરવાનો વિચાર જ અદ્ભુત છે. આ વિમાન જ્યાં જ્યાં લેન્ડ થયું છે તે દેશોમાં આંખોના દર્દીઓ માટે આશીર્વાદરૂપ બની છે.
ભારતમાં પણ આ ઉડતી હોસ્પિટલ અનેકવાર સેવા આપી ચૂકી છે. તે ચાર વખત કોલકાતા આવી ચુકયું છે. વિકાસશીલ, પછાત દેશોમાં આંખોને લગતી બીમારીઓની સારવાર, રોકથામમાં ઓરબિસનું મોટું યોગદાન રહ્યું છે. આ હોસ્પિટલને કાર્યરત રાખવા ફેડએક્સ કંપની છુટા હાથે સખાવત કરી રહી છે એટલે મોટો ખર્ચ ઉઠાવીને પણ આ સેવા ચાલુ રાખી શકાઈ છે. આ વિમાનના પાયલોટથી માંડી કેબિન ક્રૂ. નિષ્ણાત ડોકટરો, નર્સિંગ સ્ટાફ વગેરે માનદ સેવા આપે છે.
ફેડએક્સના સેવા નિવૃત્ત પાયલોટો ઓરબિસને ઉડાડે છે સેવાના મિશન તરીકે તેઓ ઓરબિસ સાથે જાેડાયા છે. ઓરબિસની કાર્યક્ષમતાનો અંદાજ એ બાબત પરથી લગાવી શકાય કે વર્ષ ર૦૧૭માં તેણે ૧૮ દેશોના ૬૬ મોટા શહેરમાં સેવા આપી હતી
ઓરબિસના તબીબી સ્ટાફે અત્યાર સુધીમાં દોઢ કરોડ જેટલા દર્દીઓની આંખોની તપાસ સ્ક્રિનિંગ, ૪ લાખથી વધુ આંખોની સર્જરી- લેસર સારવાર કરી છે. આ સિવાય અગણિત કંસલ્ટન્સી ઉપલબ્ધ કરાવી છે. ઓરબિસના માધ્યમથી આંખોની સારવાર મેળવનારાઓમાં બાળકોની સંખ્યા ખૂબ મોટી છે.
ઓરબિસ એરક્રાફટના ઓપરેશનલ ડાયરેકટર બ્રૂસ જહોનસન કહે છે કે અંધાપો અભિષાપ છે. ખાસ કરીને વિકાસશીલ દેશોમાં, જયાં યોગ્ય સહાયક સેવાઓના અભાવે દર્દી લાચાર હોય છે. તમે કામ કરી શકતા નથી. શિક્ષણ મેળવી શકતાં નથી. તમે અન્યોને આધારિત થઈ જાવ છો.
લોકો આશા છોડી દે છે અને વધુ અકળાવતી બાબત એ છે ક આમાંની ઘણી બીમારી અટકાવી શકાય તેમ હોય છે. ઓરબિસ વિમાનને તેના નિર્ધારિત મુકામે પહોચાડવાની જવાબદારી બ્રૂસના શિરે છે. એક કાર્ગો જેટ જે હોસ્પિટલમાં બદલી નાખવામાં આવ્યું છે તે દુનિયામાં આંખોની સમસ્યાથી પીડિત લાખો દર્દીઓ માટે આશાનું કિરણ છે.
ઓરબિસનો કૂશળ તબીબી સ્ટાફ જે દેશમાં જાય છે ત્યાં ડોકટરોને સર્જરી તથા સારવારની તાલીમ પણ આપે છે. એક આધુનિક ઓપરેશન થિયેટરમાં ઉપલબ્ધ હોય તેવી તમામ સુવિધા અને સાધન સરંજામ ઓરબિસ એરક્રાફટમાં ઉપલબ્ધ છે. ઓરબિસ વિમાન વર્ષમાં સરેરાશ ૧૦૦ કલાક ઉડાન કરે છે. ૪ દાયકામાં તે ૧૦૦થી વધુ દેશોની મુલાકાત લઈ ચુક્યું છે.