બ્રિટનની ડેપ્યૂટી ટ્રેડ કમિશનરે ભારતીય યુવક સાથે લગ્ન કર્યા

નવીદિલ્હી, દિલ્હીમાં કામ કરી રહેલી બ્રિટનની ડેપ્યૂટી ટ્રેડ કમિશનર (સાઉથ એશિયા)એ એક ભારતીય યુવક સાથે લગ્ન કર્યા છે. રિઆનન હેરીઝે ટ્વીટમાં પોતાના લગ્નના સમાચાર સોશિયલ મીડિયા પર પણ શેર કર્યા છે.
રિઆનન હેરીઝે કહ્યું કે, ૪ વર્ષ પહેલા તે ઘણી બધી આશાઓ અને સપનાઓ સાથે ભારત આવી હતી. પરંતુ, તેણે ક્યારેય નહોતું વિચાર્યું કે તેને અહીં જીવનભરનો પ્રેમ મળી જશે અને તે તેની સાથે લગ્ન પણ કરી લેશે. તેણે લખ્યું છે કે, અતુલ્ય ભારતમાં તેને ખુશીઓ મળી ગઈ છે.
ટ્વીટર પ્રોફાઈલ અનુસાર, હેરીઝ ઈક્વાલિટી, ગ્રીન ઈકોનોમીની સમર્થક છે. ટ્રાવેલમાં પણ તેનો રસ છે. હેરીઝે ટ્વીટર પર પોતાના લગ્નના ફોટોઝ શેર કરતા હેશટેગનો ઉપયોગ કર્યો છે. હેરીઝ કહે છે કે, તેને ખૂબ જ ખુશી છે કે ભારત હવે હંમેશાં માટે તેનું ઘર બની ગયુ છે. આંધ્ર પ્રદેશ અને તેલંગણામાં બ્રિટનની ડેપ્યૂટી હાઈ કમિશનર એન્ડ્રુ ફ્લેમિંગે હેરિઝને લગ્નની શુભકામનાઓ પાઠવી છે. એન્ડ્રુ ફ્લેમિંગે ટ્વીટર પર લખ્યું- મારી ફ્રેન્ડ રીઆનન હેરીઝને નવા જીવનની શરૂઆત કરવા માટે શુભકામના. તેને અને વરરાજાને સમગ્ર બ્રિટિશ હાઈ કમિશન હૈદરાબાદ તરફથી અનંત ખુશીઓ મુબારક. એન્ડ્રુ ફ્લેમિંગે લખ્યું કે, તેને ખૂબ જ દુઃખ છે કે તે કેટલીક જવાબદારીઓના કારણે લગ્ન સમારોહમાં સામેલ ના થઈ શક્યો.
રિઆનન હેરીઝે જ્યાં પોતાના ટ્વીટમાં ભારતમાં લગ્ન કરવાની વાતને ખૂબ જ ખાસ ગણાવી, તો બીજી તરફ ભારતના સોશિયલ મીડિયા યુઝર્સે પણ તેને શુભકામનાઓ પાઠવી અને ઘણી રસપ્રદ કમેન્ટ્સ પણ કરી છે. ટ્વીટર પર એક યુઝરે લખ્યું કે, ૧.૩ અબજ લોકોના પરિવારમાં તમારું સ્વાગત. તમને બંનેને લગ્ન જીવન માટે ખૂબ જ ખૂબ શુભેચ્છા. આ કમેન્ટ પર ડેપ્યૂટી હાઈ કમિશનર એન્ડ્રુ ફ્લેમિંગે મજાકમાં લખ્યું- રિઆનનને હું ઓળખુ છું અને જેવુ બધુ સુરક્ષિત થઈ જશે (કોરોનાને લઈને) તે નિશ્ચિરૂપે જ આખા પરિવારને ડિનર પર બોલાવશે.
રિઆનન હેરીઝે પોતાના ટ્વીટમાં પતિ વિશે કોઈ ખાસ જાણકારી નથી આપી. તેના પર યુઝરે પૂછ્યું કે, આ જેન્ટલમેન કોણ છે? તો એન્ડ્રુ ફ્લેમિંગે જવાબ આપ્યો કે તે તેમના પતિ છે અને એક નસીબદાર વ્યક્તિ. આની આગળ તેઓ કદાચ થોડી પ્રાયવસીની આશા રાખી રહ્યા છે.
રિઆનન હેરીઝના લગ્નના ફોટા પર કમેન્ટ કરતા એક યુઝરે લખ્યું- હું હંમેશાં એ બાબતની ભલામણ કરું છું કે, ઈન્ડિયન ટૂરિઝ્મમાં ભારતીય લગ્ન, ભારતીય સંસ્કૃતિ, ભારતીય તહેવારોને સામેલ કરવામાં આવે. ટૂરિસ્ટોએ આ બધાનો જરૂર અનુભવ કરવો જાેઈએ. તેના પર એન્ડ્રુ ફ્લેમિંગે જવાબ આપ્યો કે, આ એક રસપ્રદ વિચાર છે. કદાચ તમારે જી કિશન રેડ્ડી (ભારતના ટૂરિઝ્મ અને સંસ્કૃતિ મંત્રી)ને ટેગ કરવા જાેઈએ. અન્ય દેશોમાં આવુ થાય છે.SSS