બ્રિટનની રશિયાને ખુલ્લી ધમકી, યુક્રેન પર હુમલો કરશે તો ગંભીર પરિણામો ભોગવશે

લંડન, યુક્રેન-રશિયા વચ્ચે સર્જાયેલી કટોકટી વચ્ચે બ્રિટને રશિયાના ધમકી આપી હતી કે જાે રશિયા યુક્રેન ઉપર હુમલો કરશે તો તેના ગંભીર પરિણામો ભોગવવા પડશે. રશિયાએ પણ તેનો જવાબ આપ્યો હતો. રશિયન વિદેશ મંત્રીએ કહ્યું હતું કે બ્રિટન-અમેરિકા સહિતના દેશો અમને ઉપદેશ આપવાનું બંધ કરે.
એક તરફ રશિયા-યુક્રેન વચ્ચે સર્જાયેલી કટોકટી ટાળવા માટે પ્રયાસો થઈ રહ્યા છે. બીજી તરફ બ્રિટન-અમેરિકા અને રશિયાના આક્રમક નિવેદનો પણ આવી રહ્યા છે. બ્રિટિશ વિદેશ મંત્રી લિઝ ટ્રુઝ રશિયાની મુલાકાતે છે. એ દરમિયાન તેમણે રશિયન વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવ સાથે યુક્રેન મુદ્દે ચર્ચા કરી હતી.
આ વાતચીત દરમિયાન બ્રિટિશ વિદેશ મંત્રીએ ધમકીભર્યા સૂરમાં રશિયન વિદેશ મંત્રીને કહ્યું હતું કે જાે રશિયા યુક્રેન ઉપર હુમલો કરશે તેના ગંભીર પરિણામો આવશે. તેના જવાબમાં રશિયન વિદેશમંત્રીએ પણ સ્પષ્ટ કહ્યું હતું કે બ્રિટન સહિતના પશ્વિમના દેશો યુક્રેન મુદ્દે રશિયાને સલાહ ન આપે. રશિયા પહેલાં જ સ્પષ્ટ કરી ચૂક્યું છે કે યુક્રેન ઉપર હુમલો કરવાનું કોઈ જ ષડયંત્ર ઘડાયું નથી.
બ્રિટિશ વિદેશ મંત્રી રશિયાની મુલાકાતે છે એ જ દરમિયાન બ્રિટને યુક્રેનને એન્ટી શીપ મિસાઈલો આપવાની જાહેરાત કરી હતી. બાલ્ટિક સમુદ્રમાં તૈનાત રશિયન યુદ્ધજહાજાેને તોડી પાડવા માટે બ્રિટને યુક્રેનને રડારમાં ન પકડાય એવી એન્ટિ શીપ મિસાઈલો મોકલવાની જાહેરાત કરી છે. બ્રિટન-યુક્રેન વચ્ચે થોડા સમય પહેલાં ૧.૭ અબજ ડોલરનો જે સંરક્ષણ સોદો થયો હતો તેના ભાગરૃપે આ મિસાઈલો મળશે. યુક્રેનને ૧૦ વર્ષમાં તેનું ચૂકવણું કરવું પડશે.
બ્રિટન સ્થિત યુક્રેનના રાજદૂત વાદિમ પ્રિસ્ટાયકોએ બ્રિટન સહિતના મિત્રદેશોને હથિયારો અને યુદ્ધની સામગ્રી યુક્રેનને આપવાની અપીલ કરી હતી. આ રાજદૂતે જ જાહેરાત કરી હતી કે બ્રિટને જે રીતે એન્ટી શીપ મિસાઈલો આપી છે એમ અન્ય દેશો પણ યુક્રેનને સહાય કરીને રશિયાના ખતરાથી બચાવે. રશિયા-બ્રિટનના વિદેશ મંત્રીઓ વચ્ચે યુક્રેનની કટોકટી બાબતે બેઠક થઈ હતી, પરંતુ તેનું કોઈ જ પરિણામ આવ્યું ન હતું.HS