બ્રિટનમાં ઓમિક્રોન વેરિએન્ટ પર કોવિશિલ્ડ બેઅસર
લંડન, બ્રિટનમાં ઓમિક્રોન વેરિએન્ટના કારણે કોરોના સંકટ વધારે ઘેરુ બન્યુ છે.લોકોમાં હવે બૂસ્ટર ડોઝ લગાવવા માટે પડાડી થઈ રહી છે.
જોકે બ્રિટનની નેશનલ હેલ્થ સર્વિસની સાઈટ પર સર્જાયેલી ખરાબીના કારણે ક્રિસમસ સુધીમાં ઘણા લોકો બૂસ્ટર ડોઝ લગાવી નહીં શકે.બ્રિટનમાં થયેલી તપાસમાં એવુ પણ સામે આવ્યુ છે કે, ભારતમાં કોવિશિલ્ડ અને બ્રિટનમાં એસ્ટ્રાજેનેકા તરીકે ઓળખાતી કોરોનાની વેક્સીન ઓમિક્રોન વેરિએન્ટ પર ખાસ અસર બતાવી શકી નથી.જોકે તેનો ત્રીજો ડોઝ એટલે કે બૂસ્ટર ડોઝ 76 ટકા અસરકારક સાબિત થયો છે.
મીડિયા રિપોર્ટ પ્રમાણે બ્રિટન સરકારે ચેતવણી આપી છે કે, આ મહિનાના અંત સુધીમાં કોરોના સંક્રમણના કેસ 10 લાખ સુધી પહોંચી શકે છે.જોકે વેક્સીનની બૂસ્ટર ડોઝની અસરકારકતા દેખાઈ રહી છે તે રાહતની વાત છે.જોકે લાખો લોકોને હજી બૂસ્ટર ડોઝ મળ્યા નથી.
ભારત માટે પણ આ ખબર ચિંતાજનક બની શકે છે.કારણકે ભારતમાં એસ્ટ્રાજેનેકાની રસી કોવિશિલ્ડને વ્યાપક પ્રમાણમાં લોકોને આપવામાં આવી રહી છે.
બ્રિટનના વૈજ્ઞાનિકોને જાણવા મળ્યુ છે કે, જે લોકોને મહિના પહેલા એસ્ટ્રાજેનેકા રસીના બે ડોઝ અપાતા હતા તેમનામાં ઓમિક્રોન સામે કોઈ એન્ટીબોડી સર્જાયા હોય તેવુ દેખાયુ નથી.જ્યારે ફાઈઝરના બે ડોઝ પણ 30 ટકા જ સુરક્ષા આપી શકે તેમ છે.જોકે એસ્ટ્રાજેનેકા વેક્સીનનો ત્રીજો ડોઝ લેનારાઓમાં 71 ટકા અને ફાઈઝર વેક્સીનનો ત્રીજો ડોઝ લેનારાઓમાં 76 ટકા સુરક્ષા દેખાઈ છે.
એસ્ટ્રાજેનેકા રસી ડેલ્ટા વેરિએન્ટ પર અગાઉ કારગર સાબિત થઈ ચુકી છે.બ્રિટનમાં નિષ્ણાતો લોકોને બૂસ્ટર ડોઝ લગાવવા માટે અપીલ કરી રહ્યા છે.બ્રિટનમાં દર ત્રણ દિવસે કોરોનાના કેસ ડબલ થઈ રહ્યા છે અને ક્રિસમસના તહેવારોની ભીડને જોતા સંક્રમણ વધે તેવી શક્યતા છે.