બ્રિટનમાં કોરોનાએ તમામ રેકોર્ડ તોડી નાંખ્યા: એક જ દિવસમાં 78000 લોકો સંક્રમિત
નવી દિલ્હી, બ્રિટનમાં કોરોનાના નવા ઓમિક્રોન વેરિએન્ટના જોખમ વચ્ચે કોરોના હાહાકાર મચાવી રહ્યો છે.
બ્રિટનમાં કોરોનાના દર્દીઓના તમામ રેકોર્ડ તુટી ગયા છે અને છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 78000 કેસ સામે આવ્યા બાદ સરકાર હચમચી ગઈ છે.બ્રિટનમાં અત્યાર સુધીમાં એક કરોડ જેટલા લોકો કોરોનાથી સંક્રમિત થઈ ચુકયા છે .જ્યારે બ્રિટનની વસતી 6.7 કરોડ છે.
પીએમ બોરિસ જોનસને બ્રિટનમાં કોરોના સંક્રમણની તેજ લહેર સામે ચેતવણી આપી છે.જોકે સરકારે કોરોનાનો ફેલાવો રોકવા માટેના જે સૂચનો કર્યા હતા તેની સામે સંસદમાં 100 કરતા વધારે સાંસદોએ મતદાન કરતા સરકારને ઝાટકો લાગ્યો છે.
અધિકારીઓનુ કહેવુ છે કે, બ્રિટન સહિત સમગ્ર યુરોપમાં ક્રિસમસ અને નવા વર્ષની ઉજવણીની તૈયારીઓ ચાલી રહી છે અને તેના કારણે કોરોના વધારે ફેલાય તેમ છે.વિવિધ દેશોની સરકારો જો કોરોનાને ફેલાતો અટકાવવા માટે પ્રતિબંધો લાગુ કરશે તો લોકોને તહેવારો સમયે નિરાશ થવાનો વારો આવશે.