બ્રિટનમાં ૯મી એપ્રિલથી દરેક નાગરિકોએ અઠવાડિયામાં બે વખત ટેસ્ટ કરાવવો પડશે
લંડન: કોરોનાના ચેપને કાબૂમાં લેવા ઝડપથી વેક્સિનેશન પછી હવે બ્રિટનમાં વધુ એક પગલું ભરવામાં આવ્યું છે. વડાપ્રધાન બોરિસ જાેનસને દેશના અર્થતંત્રને લૉકડાઉન બાદ ફરીથી ધબકતું કરવા એક યોજના જાહેર કરી છે. તેમાં દેશના દરેક નાગરિકને સલાહ અપાઇ છે કે તે દર અઠવાડિયે બે વખત કોરોના ટેસ્ટ કરાવે. સ્વાસ્થ્યમંત્રી મેટ હેંકોકે જણાવ્યું કે દરેક વ્યક્તિ ૯ એપ્રિલથી અઠવાડિયામાં બે વખત મફતમાં રેપિડ કોરોના ટેસ્ટ કરાવી શકશે. લોકોને સ્થાનિક મેડિકલ દુકાન, કમ્યુનિટી સેન્ટર અને હોમ ડિલિવરી સર્વિસના માધ્યમથી ફ્રી ટેસ્ટ કિટ ઉપલબ્ધ કરાવાશે. અહેવાલ અનુસાર પીએમ જાેનસન કોવિડ સ્ટેટ્સ સર્ટિફિકેશન યોજનાની જાહેરાત કરવા જઈ રહ્યા છે.
૬.૮ કરોડ લોકોની વસતી ધરાવતા બ્રિટનમાં કોરોનાથી બચાવ માટે અત્યાર સુધી ૩.૭ કરોડ લોકોને ડૉઝ આપી દેવાયા છે. તેનાથી ૪૭ ટકા વસતી આવરી લેવાઈ છે જેને ઓછામાં ઓછો એક ડૉઝ મળી ગયો છે. ૫૦ લાખ લોકોને બીજાે ડૉઝ આપી દેવાયો છે. સરકાર માને છે કે સંપૂર્ણ વસતીના ઝડપથી ટેસ્ટ કરી અને સ્ટેટ્સ સર્ટિફિકેશન સિસ્ટમથી મહામારીને કાબૂમાં લઈ શકાશે. ઉલ્લેખનીય છે કે યુરોપમાં કોરોનાથી સૌથી વધુ મૃત્યુ બ્રિટનમાં થયાં છે.
બ્રિટનમાં ૧૭ મેથી ફરીથી આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ શરૂ કરવાની તૈયારી ચાલી રહી છે. આ મામલે એક ટ્રાફિક લાઈટ સિસ્ટમ બનાવાઈ છે જેમાં કોરોનાની દૃષ્ટિએ દુનિયાના બીજા દેશોને રેડ, યલો અને ગ્રીન ભાગમાં વહેંચાઈ રહ્યા છે.
ગ્રીન દેશોથી આવનારા નાગરિકોને બ્રિટનમાં આઈસોલેટ નહીં કરાય. પણ યાત્રા શરૂ કરતા પહેલાં અને બ્રિટન પહોંચતા તેમણે કોરોના ટેસ્ટ કરાવવો પડશે. ક્વૉરન્ટાઈન, આઈસોલેશન રેડ અને યલો દેશોમાંથી આવનારા નાગરિકો પર જ લાગુ પડશે. કોવિડ સ્ટેટ્સ સર્ટિફિકેશન સિસ્ટમ (કોરોના પાસપોર્ટ) તૈયાર કરાશે. તે હેઠળ જે લોકો પાસે આ પાસપોર્ટ હશે તેમને સ્પોર્ટ્સ ઈવેન્ટ્સ, નાઈટ ક્લબ, થિયેટર અને બીજા સમારોહમાં સામેલ થવાની મંજૂરી અપાશે.
દુનિયામાં ૨૪ કલાકમાં ૫.૨૬ લાખ નવા દર્દી મળ્યા. તેમને મિલાવી કુલ આંકડો ૧૩.૨ કરોડને વટાવી ગયો. ૨૪ કલાકમાં સૌથી વધુ ૧.૦૩ લાખ કેસ ભારતમાં મળ્યા હતા. ૬૦,૯૨૨ ચેપગ્રસ્તો સાથે ફ્રાન્સ બીજા ક્રમે રહ્યું. સૌથી વધુ ચેપગ્રસ્ત અમેરિકાથી રાહતવાળા સમાચાર છે. ત્યાં ૨૪ કલાકમાં ૩૬,૯૮૩ નવા દર્દી મળ્યા. ત્યાં ૨૭ સપ્ટેમ્બર બાદ પહેલીવાર ૪૦ હજારથી ઓછા કેસ મળ્યા. બ્રાઝિલમાં પણ ૩૧,૩૫૯ કેસ આવ્યા જે ૨૨ ફેબ્રુઆરી બાદ સૌથી ઓછા છે. બાંગ્લાદેશમાં સોમવારથી એક અઠવાડિયાનું લૉકડાઉન શરૂ થઈ ગયું છે. ત્યાંના રોડ ફરી વેરાન થઈ ગયા.ભારતમાં પણ કેસો વધી રહ્યાં છે