બ્રિટન, દ. આફ્રિકા, બ્રાઝિલના વેરિયન્ટના દેશમાં ૪૦૦ કેસ
નવી દિલ્હી: ભારતમાં કોરોના વાયરસના નવા કેસોની સંખ્યા વધી રહી છે. આ સાથે જ યુકે, દક્ષિણ આફ્રીકા અને બ્રાઝિલથી આવેલા વેરિયન્ટના કેસોમાં પણ વધારો થઇ રહ્યો છે. કેન્દ્ર સરકાર તરફથી આપવામાં આવેલી માહિતી અનુસાર, દેશમાં ૧૮ માર્ચ સુધી બ્રિટન, દક્ષિણ આફ્રીકા અને બ્રાઝિલના વેરિયન્ટના ૪૦૦ કેસ સામે આવ્યા છે.
૪ માર્ચ સુધી આ ત્રણેય વેરિયન્ટની સંખ્યા ૨૪૨ હતી. આવી રીતે ૧૪ દિવસમાં આ સંખ્યામાં ૧૫૮નો વધારો થયો છે. યુકેનો સ્ટ્રેન સૌથી પહેલાં ભારતમાં ૨૯ ડિસેમ્બરે નોંધાયો હતો. જ્યારે બ્રિટનથી આવેલા છ મુસાફરોમાં આ સંક્રમણ મળ્યું હતું. યુકે સ્ટ્રેન સામે આવ્યા બાદ સમગ્ર દુનિયામાં અફરાતફરી જાેવા મળી હતી. જેના બાદ ભારત સહિત ઘણા દેશોમાં હવાઇ યાત્રા પર પ્રતિબંધની જાહેરાત કરવી પડી હતી.
ઉલ્લેખનીય છે કે, દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૩૫,૮૭૧ નવા કેસ નોંધાયા છે જે વિતેલા ૧૦૦ દિવસમાં સૌથી વધુ છે. ૨૦૨૧ના વર્ષના આ સૌથી વધુ એક દિવસીય કેસ રહ્યા છે. કોરોના સંક્રમણનો અત્યાર સુધીનો આંક વધીને ૧,૧૪,૭૪,૬૦૫ થઈ ગયો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના ડેટા મુજબ સતત આઠમાં દિવસે કોરોના કેસોમાં ઉછાળો નોંધાયો છે. એક દિવસમાં વધુ ૧૭૨ દર્દીનાં મોત થયા છે જેને પગલે કુલ મૃત્યુઆંક વધીને ૧,૫૯,૨૧૬ થયો છે.
દેશમાં સૌથી વધુ મહારાષ્ટ્રમાં કોરોનાના કેસ સામે આવી રહ્યાં છે, ત્યાં સંક્રમિત લોકોની સંખ્યા ખૂબ જ ઝડપથી વધી રહી છે. છેલ્લા ૨૪ કલાકમાં મહારાષ્ટ્રમાં કોરોનાના ૨૩,૧૭૯ નવા કેસ સામે આવ્યા, જે આ વર્ષમાં એક જ દિવસમાં નોંધાયેલા સૌથી વધુ કેસ છે. આ સાથે જ રાજ્યમાં સંક્રમણના કુલ કેસ વધીને ૨૩,૭૦,૫૦૭ સુધી પહોંચી ગયા છે. ઉપરાંત ૮૪ લોકોનાં મોત નિપજ્યાં છે, જેની સાથે રાજ્યમાં મહામારીને લીધે જીવ ગુમાવનારા લોકોની સંખ્યા ૫૩,૦૮૦ થઇ ગઇ છે.