Western Times News

Gujarati News

બ્રેઇનડેડ મહિલાના લિવર અને ચક્ષુઓનું પરિવારે દાન કર્યું

સુરત: સુરત આમ તો કર્મની ભૂમિ તરીકે જાણીતી છે ત્યારે દેશમાં જયારે જરૂર પડતી હોય છે ત્યારે સુરતના લોકો મદદ અને દાનનો ધોધ વહેવડાવામાં કદી પાછળ નથી રહેતા. ત્યારે મરતા મરતા અંગોનું દાન કરવામાં પણ સુરત આગળ છે. ખંભાતી ક્ષત્રિય સમાજની એક મહિલા દીપિકાબેન બીમારીને લઈને બ્રેઈનડેડ જાહેર થતા પરિવારે તેમના અંગોનું દાન કરીને ત્રણ લોકોના જીવનનો દીપ પ્રકાશિત કર્યો છે. તા.૨૫ જુલાઈના રોજ સવારે ૯ઃ૦૦ કલાકે દિપીકાબેનને શ્વાસ લેવાની તકલીફ થયા બાદ તેઓ બેભાન થઇ ગયા હતા.

પરિવારજનોએ તેમને તાત્કાલિક કિરણ હોસ્પિટલમાં નેફ્રોલોજીસ્ટ ડૉ.કલ્પેશ ગોહિલની સારવાર હેઠળ દાખલ કરી સારવાર શરુ કરવામાં આવી. ત્યાં તેમનું હૃદય બંધ થઇ જતા સીપીઆર આપીને હૃદયને ફરીથી ધબકતું કરવામાં આવ્યું. ત્યારબાદ તેમની તબિયત વધુ બગડતા નિદાન માટે સીટી સ્કેન કરાવતા મગજમાં લોહી ઓછુ પહોંચવાને કારણે નાના મગજમાં નુકસાન થયું હોવાનું નિદાન થયું હતું. ગુરુવાર તા.૨૯ જુલાઈના રોજ મેડીકલ ડાયરેક્ટર ડૉ.મેહુલ પંચાલ, ન્યુરોલોજીસ્ટ ડૉ.હીના ફળદુ, ઇન્ટેન્ટસીવીસ્ટ ડૉ.અપેક્ષા પારેખ, નેફ્રોલોજીસ્ટ ડૉ.કલ્પેશ ગોહિલે દિપીકાબેનને બ્રેઈનડેડ જાહેર કરતા ડોનેટ લાઈફના માધ્યમથી તેમના લિવર અને ચક્ષુઓનું દાન કરવામાં આવ્યું. દાનમાં મેળવવામાં આવેલા લિવરનું ટ્રાન્સપ્લાન્ટ સુરતના રહેવાસી ૫૦ વર્ષીય વ્યક્તિમાં અમદાવાદની આઈકેડીઆરસી હોસ્પિટલમાં ડૉ.પ્રાંજલ મોદી, ડૉ.વૈભવ સુતરીયા અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું છે.

ડોનેટ લાઈફ તેમજ સમગ્ર સમાજના સલામ છેપવંદન છેપસ્વ. દિપીકાબેન અને સમગ્ર પરિવારને. કોવીડ ૧૯ની મહામારીની બીજી લહેર પછી આખા દેશમાં અંગદાનનું પ્રમાણ ખુબજ ઓછું છે. ત્યારે ડોનેટ લાઈફ દ્વારા છેલ્લા બે મહિનામાં સાત બ્રેઈનડેડ વ્યક્તિઓના પરિવારજનો સાથે સમજણ કેળવી ૩ હૃદય, ૨ ફેફસાં, ૧૨ કિડની, ૭ લિવર અને ૧૦ ચક્ષુઓ સહીત કુલ ૩૪ અંગો અને ટીસ્યુઓના દાન મેળવી દેશના વિવિધ રાજ્યોના કુલ ૩૩ ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવુંજીવન આપવામાં સફળતા મળી છે. સુરત અને દક્ષિણ ગુજરાતમાંથી ડોનેટ લાઈફ દ્વારા ૩૯૪ કિડની, ૧૬૪ લિવર, ૮ પેન્ક્રીઆસ, ૩૪ હૃદય, ૧૪ ફેફસાં અને ૨૯૬ ચક્ષુઓ કુલ ૯૦૮ અંગો અને ટીસ્યુઓનું દાન મેળવીને ૮૩૬ વ્યક્તિઓને નવુંજીવન અને નવી દ્રષ્ટી બક્ષવામાં સફળતા મળી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.