બ્રોન્ઝ જીતનાર ભારતીય ટીમ પર ઈનામોનો વરસાદ
વી દિલ્હી: ટોક્યો ઓલિમ્પિકમાં ભારતીય પુરૂષ હોકી ટીમે ૪૧ વર્ષના દુષ્કાળ બાદ બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો છે.
ભારતીય પુરૂષ હોકી ટીમે જર્મની વિરુદ્ધ રમાયેલા રોમાંચક મુકાબલામાં ૫-૪થી જીત મેળવી બ્રોન્ઝ મેડલ પર કબજાે કર્યો છે. ભારતીય હોકી ટીમે આ પહેલા વર્ષ ૧૯૮૦માં મોસ્કો ઓલિમ્પિક ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.
આ ઐતિહાસિક જીત બાદ ભારતીય હોકી ટીમ પર ઇનામોનો વરસાદ થઈ રહ્યો છે. પંજાબ સરકારે ગુરૂવારે જાહેરાત કરી કે ટોક્યો ઓલિમ્પિક ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીતનારી ભારતીય પુરૂષ હોકી ટીમમાં સામેલ રાજ્યના દરેક ખેલાડીને એક-એક કરોડ રૂપિયાનો રોકડ પુરસ્કાર આપવામાં આવશે. પંજાબના ખેલ મંત્રી રાણા ગુરમીત સિંહ સોઢીએ આ જાહેરાત કરી છે.
સોઢીએ ટ્વીટ કર્યુ- ભારતીય હોકી માટે આ ઐતિહાસિક દિવસે મને તે જાહેરાત કરતા ખુશી છે કે ટીમમાં સામેલ પંજાબના પ્રત્યેક ખેલાડીને એક કરોડ રૂપિયાનો રોકડ પુરસ્કાર આપવામાં આવશે. અમે તમારી વાપસીની રાહ જાેઈ રહ્યા છીએ અને ઓલિમ્પિકમાં મેડલની ઉજવણી કરીશું. કેપ્ટન મનપ્રીત સિંહ સહિત પંજાબના આઠ ખેલાડી ભારતીય પુરૂષ હોકી ટીમના સભ્ય છે.
પંજાબના અન્ય ખેલાડી હરમનપ્રીત સિંહ, રૂપિંદર પાલ સિંહ, હાર્દિક સિંહ, શમશેર સિંહ, દિલપ્રીત સિંહ, ગુરજંત સિહં અને મનદીપ સિંહ છે.