બ્લેકસ્ટોનના CEO સ્ટીફનને મળ્યા વડાપ્રધાન મોદી

ભારતીય મૂળના એડોબના સીઈઓ (Adobe CEO) શાંતનુ નારાયણ અને જનરલ એટોમિક્સના સીઈઓ વિવેક લાલને મળ્યા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાના પ્રવાસે ગયા છે. પીએમ મોદીએ અમેરિકા પ્રવાસના પહેલા દિવસે અમેરિકાની પાંચ ક્ષેત્રોની ટોચની કંપનીઓના ગ્લોબલ સીઈઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં તેમણે ભારતમાં વૈકલ્પિક ઊર્જા, સંરક્ષણ અને ૫જી ક્ષેત્રે રોકાણ માટે ચર્ચા કરી હતી.
પીએમ મોદી સાથેની બેઠક પછી ક્વાલકોમના સીઈઓ ક્રિસ્ટિઆનો એમોને કહ્યું કે, ૫જી ક્ષેત્રમાં ભારત સાથે ભાગીદારી અંગે અમને ખૂબ જ ગર્વ છે. એડોબના સીઈઓ નારાયણે ડિજિટલ ક્ષેત્રમાં રોકાણને પ્રાથમિક્તા આપી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે અમેરિકામાં પાંચ ક્ષેત્રોની ટોચની અમેરિકન કંપનીઓના સીઈઓ સાથે મુલાકાત કરી હતી, જેમાં ક્વાલકોમ, એડોબ, ફર્સ્ટ સોલાર, જનરલ એટોમિક્સ અને બ્લેકસ્ટોનનો સમાવેશ થાય છે. એડોબના સીઈઓ શાંતનુ નારાયણ અને જનરલ એટોમિક્સના સીઈઓ વિવેક લાલ ભારતીય મૂળના છે. અન્ય ત્રણ સીઈઓમાં ક્વાલકોમના ક્રિસ્ટિઆનો ઈ. એમોન, ફર્સ્ટ સોલારના માર્ક વિડમાર અને બ્લેકસ્ટોનના સ્ટીફન શ્વાર્ઝમેનનો સમાવેશ થાય છે.
નારાયણ સાથેની મુલાકાત ભારત સરકારની ઈન્ફર્મેશન ટેક્નોલોજી અને ડિજિટલ ક્ષેત્રમાં પ્રાથમિક્તા દર્શાવે છે. જ્યારે જનરલ એટોમિક્સ સૈન્ય ડ્રોન ટેકનિકની બાબતમાં અગ્રણી છે અને સૈન્ય ડ્રોનના ઉત્પાદનમાં દુનિયાની ટોચની કંપની હોવાથી તેના સીઈઓ લાલ સાથેની બેઠક પણ ઘણી મહત્વની હતી.
ભારત ૫જી ટેકનિકને સુરક્ષિત બનાવવા પર ભાર આપી રહ્યું હોવાથી ક્વાલકોમના સીઈઓ સાથે મોદીએ બેઠક યોજી હતી. આ કંપની વાયરલેસ ટેકનિક સાથે જોડાયેલા સેમી કન્ડક્ટર અને સોફ્ટવેર બનાવે છે.
મોદી સાથેની બેઠક પછી ક્વાલકોમના સીઈઓ ક્રિસ્ટિયાનોએ કહ્યું કે આ બેઠક ખૂબ જ શાનદાર હતી. અમને ભારત સાથે ભાગીદારી કરવા પર ખૂબ જ ગર્વ છે. અમે ૫જી અને તેમાં સ્પીડ અંગે વાત કરી હતી. અમે ભારતમાં ટેક્નોલોજીની નિકાસના રૂપમાં ઉદ્યોગને આગળ વધારવાની તક અંગે વાત કરી હતી.
એડોબના સીઈઓ શાંતનુ નારાયણે કહ્યું કે, અમારા માટે સૌથી મોટી સંપત્તિ લોકો છે. અમે શિક્ષણ પર વધુ ભાર આપવાનું સમર્થન કરીએ છીએ. ફર્સ્ટ સોલારના સીઈઓ માર્ક વિડમારે કહ્યું કે તેમણે ઔદ્યોગિક નીતિની સાથે વેપાર નીતિમાં મજબૂત સંતુલન બનાવવા માટે ફર્સ્ટ સોલાર જેવી કંપનીઓ માટે ભારત આદર્શ તક સમાન છે.
સોલાર ક્ષેત્રમાં ભારતે જે કર્યું છે તેનું દુનિયા અનુકરણ કરે તો લાંબા સમયના જળવાયુ લક્ષ્યના ઉદ્દેશો પૂરા કરી શકાશે. બ્લેકસ્ટોનના ચેરમેન સીઈઓ સ્ટીફન શ્વાર્ઝમેને કહ્યું કે મોદી સરકાર વિદેશી રોકાણકારો માટે ખૂબ જ અનુકૂળ સરકાર છે.
રોજગાર પેદા કરવા માટે ભારતમાં રોકાણ કરવા ઈચ્છતા લોકોના સહયોગથી ભારત સરકારને ઊંચો ગ્રેડ મળવો જોઈએ. ભારત દુનિયાનો સૌથી વધુ ગતિએ આગળ વધતો દેશ છે.