બ્લેક ફંગસ કરતા વધુ ઘાતક વ્હાઈટ ફંગસ : ૪ કેસ મળ્યા
પટણા: દેશમાં કોરોનાના હાહાકારની વચ્ચે હવે બ્લેક ફંગસ એટલે કે મ્યુકરમાઈકોસિસના કેસ સામે આવી રહ્યા હોવાથી સરકારો અને ડોકટરો ચિંતિતિ છે.
હવે બિહારની રાજધાની પટણામાં વ્હાઈટ ફંગસના ચાર દર્દીઓ મળ્યા બાદ સરકાર ચિંતામાં છે. એવુ કહેવાઈ રહ્યુ છે કે, વ્હાઈટ ફંગસ એ બ્લેક ફંગસ કરતા પણ વધારે ઘાતક છે અને ફેફસામાં સંક્રમણ ફેલાવાનુ મુખ્ય કારણ છે. સાથે સાથે આ ફંગસ માણસની ચામડી, નખ,મોઢાની અંદરના ભાગ, આંતરડા, કિડની અને દિમાગ પર પણ ખરાબ અસર પાડે છે.
જાણકારી પ્રમાણે પટણા મેડિકલ કોલેજના માઈક્રોબાયોલોજી વિભાગના હેડ ડો.એસ એન સિંહાએ ચાર દર્દીઓ સામે આવ્યા હોવાની જાણકારી આપતા કહ્યુ હતુ કે, આવા દર્દીઓના કોરોના ટેસ્ટ નેગેટિવ આવતા હોય છે. જાે સીટી સ્કેનમાં કોરોના જેવા લક્ષણ દેખાય અને દર્દીના કફનો કલ્ચર રિપોર્ટ કરાવવામાં આવે તો આ ફંગસની જાણકારી મળતી હોય છે.
ઓક્સિજન સપોર્ટ પર રહેલા દર્દીઓ વ્હાઈટ ફંગસની ચપેટમાં આવી શકે છે. જે તેમના ફેફસાને સંક્રમિત કરી શકે છે અને આ ફંગસના કારણે રોગ પ્રતિકારક શક્તિ પણ ઓછી થઈ જાય છે. આ સિવાય ડાયાબિટિસ હોવાના કારણે અથવા તો લાંબા સમયથી સ્ટેરોઈડ લેતા હોય તેવા દર્દીઓને પણ ફંગસ લાગી શકે છે.
બાળકોને અને કેન્સરના દર્દીઓને પણ વ્હાઈટ ફંગસનો રોગ લાગી શકે છે. ડોકટરોના મતે ઓક્સિજન કે વેન્ટિલેટર પર હોય તેવા દર્દીઓના ઉપકરણ ખાસ કરીને ટ્યુબ કિટાણુ મુક્ત હોવી જાેઈએ. ઓક્સિજન સિલિન્ડરનો ઉપયોગ સ્ટરિલાઈઝ વોટર વડે કરવો જાેઈએ.