ભંગારનો ધંધો અને ફેરી કરનારે પોતાની સંપૂર્ણ વિગતો પોલીસ સ્ટેશને જણાવવા આદેશ
અમદાવાદ ગ્રામ્ય જિલ્લા વિસ્તારમાં ભંગારનો ધંધો અને ભંગારની ફેરી કરનારે પોતાના કાર્યક્ષેત્રેની અને પોતાની સંપૂર્ણ વિગતો અસરકર્તા પોલીસ સ્ટેશને જણાવવાની રહેશે એમ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીએ જાહેરનામામાં જણાવ્યું છે.
અમદાવાદ જિલ્લામાં બોપલ, સાણંદ, સાણંદ જી.આઇ.ડી.સી., વિરમગામ જી.આઇ.ડી.સી., અસલાલી, ચાંગોદર અને બાવળા જી.આઇ.ડી.સી. ખાતે તેમજ જિલ્લા ગ્રામ્ય વિસ્તરોમાં ભંગારનો ધંધો કરતા તેમજ ભંગારની ફેરી કરનારે પોતાના વતન તેમજ ધંધા સ્થળનું પોલીસ ક્લીયન્સ સર્ટી. મેળવી રાખવુ પડશે. ધંધા સાથે કામકાજ કરનાર તમામના સર્ટી રાખવા તેમજ તમામની સંપૂર્ણ વિગતો સંબંધિત પોલીસ સ્ટેશને જણાવવાની રહેશે.
જેમની પાસેથી ભંગાર ખરીદે તેની ઓળખ વિગત સાથેની માહિતીનું નિયત રજીસ્ટર ફરજિયાત નિભાવવુ પડશે તેમાં વેચનારની સંપૂર્ણ વિગતો સંપર્ક સાથે સામેલ કરવાની રહેશે.
ભંગાર લે – વેચના સામાનમાં જો કોઇ ગેરરીતિ કે શંકાસ્પદ મુદા્માલ જણાય તો તરત જ નજીકના પોલીસ સ્ટેશને તેની જાણ કરવાની રહેશે. ભંગારવાળા પાસે જો કોઇ વાહન વેચવા આવે તો વાહનની અસલ આર.સી.બુક વિના વેચાણ કે ખરીદી કરવી નહીં. આવા વાહનોના એન્જીન તથા ચેસીસ નંબર અને રજીસ્ટ્રેશન સાથેની માહિતી તાત્કાલિક પોલીસ સ્ટેશને જણાવવાની રહેશે.
06-10-2021 સુધી અમલી આ જાહેરનામાનો ભંગ કરનાર ભારતીય દંડ સંહિતાની કલમ ૧૮૮ મુજબ શિક્ષાપાત્ર થશે એમ જાહેરનામામાં અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી પી.બી.પંડ્યાએ જણાવ્યું છે.
વેપારીઓને જૂના મોબાઇલના ખરીદ વેચાણ રજીસ્ટરો નિભાવવા આદેશ
અમદાવાદ શહેરની હકુમત સિવાયના અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના વેપારીઓને જૂના મોબાઇલના ખરીદ અને વેચાણના નિયત રજીસ્ટરો નિભાવવા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી પી.બી.પંડ્યાએ આદેશ ફરમાવ્યો છે.
જૂના મોબાઇલ ખરીદતી અને વેચતી વખતે વેપારીઓએ અનુક્રમ નંબર, મોબાઇલ વેચનાર-ખરીદનારનું નામ, સરનામુ તેમજ સંપર્ક નંબર, મોબાઇલની વિગત-કંપની, IMEI નંબર, મોબાઇલમાં અગાઉ ઉપયોગમાં લેવાયેલા નંબર, ID પ્રુફની વિગત, મોબાઇલ વેચનાર અને ખરીદનારનો તાજેતરનો ફોટો. આ સાત કોલમ મુજબ રજીસ્ટર તૈયાર કરી નિભાવવાનું રહેશે.
06-10-2021 સુધી અમલી આ આદેશનો ભંગ કરનાર IPC કલમ ૧૮૮ હેઠળ શિક્ષાપાત્ર બનશે એમ જાહેરનામામાં ફરમાવાયું છે.