Western Times News

Gujarati News

ભગવાન જગન્નાથની રથયાત્રાના ઇતિહાસમાં પહેલીવાર ઓછા સમયમાં શાંતિથી પૂર્ણ થઇ

અમદાવાદ: અમદાવાદ શહેરમાં કોરોનાની વચ્ચે આજે બે વર્ષના અંતરાલ બાદ ભગવાન જગન્નાથની ૧૪૪મી રથયાત્રા નીકળી છે. સવારે ૪ વાગ્યાથી મંગળા આરતીથી પરંપરાગત વિધિ શરૂ થઈ હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મંદિર પરિસરમાં સોનાની સાવરણી સાથે પરંપરાગત રીતે પહિંદ વિધિ કરીને રથયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું.મોસાળ સરસપુરમાં ભગવાનનું મામેરૂ કરવામાં આવ્યું હતું અહીં ભગવાનના ત્રણેય રથ અઢી કલાક આરામ કરતા હોય છે પરંતુ આજે ફક ૧૦ મિનિટ માટે ત્રણેય રથ સરસપુર ખાતે રોકાયા હતાં અને ત્યારબાદ પોતાના માર્ગ પર પ્રસ્થાન થયા હતાં. મામાના ઘરે ભગવાન જગન્નાથને ભેટ સોંગાદ અર્પણ કરવામાં આવ્યા હતાં.

ભગવાન જગન્નાથની રથયાત્રાના ઇતિહાસમાં પહેલીવાર ઓછા સમયમાં શાંતિપૂર્ણ થઇ છે. નગરના નાથ ૧૪ કલાકની નગરચર્યાનું ૨૨ કિમીનું અંતર ૪ કલાકમાં પુરૂ કરી નિજમંદિરે પરત ફર્યા હતાં. રથયાત્રાને ધ્યાનમાં રાખીને કોટ વિસ્તારમાં ચુસ્ત કરફ્યુ જાેવા મળ્યો હતો. ત્રણેય રથ નિજ મંદિર પહોંચ્યાં હતાં જ્યાં બહાર ગૃહ મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ રથનું સ્વાગત કર્યું હતું. ૧૦.૪૬ વાગે પહેલો રથ જગન્નાથજીનો પરત આવ્યો ત્યારબાદ ૧૦.૪૯ વાગે સુભદ્રાજીનો રથ અને ભાઈ બલરામનો રથ ૧૦.૫૧ વાગે મંદિરમાં પરત આવ્યો હતો.

ભગવાનની રથયાત્રાનો પ્રસાદ ગુરૂપૂર્ણિમા સુધી વહેંચવામાં આવશે. સવારે ૭ વાગ્યે મુખ્યમંત્રી રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતીન પટેલે પહિંદ વિધિ કરાવી હતી ત્યાર બાદ સાડા સાત વાગ્યે ભગવાન જગદીશ નગરચર્યાએ નીકળ્યા હતાં.૧૪૪ વર્ષના ઇતિહાસમાં પહેલીવાર ભકતો વગર ભગવાન નગરચર્ચાએ નીકળ્યા હતાં એક સમયે રથની આસપાસ લાખો લોકોની ભીડ જામતી હતી જયારે આ વર્ષે માત્ર પરંપરાગત રૂટ પરના લોકોએ માત્ર ઘરમાં જ બેસી બારી તેમજ ધાબા પરથી ભગવાનના દર્શન કર્યા હતાં. સરસપુરમાં લોકોએ ધાબા પર અને પોળના નાકેથી ભગવાનના દર્શન કર્યા હતાં.

રથયાત્રામાં સૌથી આગળ પોલીસના વાહનો બાદમાં રથની આગળ એક વાહન મંદિરનું અને પછી ત્રણ રથ પોલીસ બંદોબસ્ત વચ્ચે નીકળી હતી .રાયપુર ચાર રસ્તા કે જ્યાં રથયાત્રા પહોંચે તે પહેલાં માનવ મહેરામણ ઉમટતું હોય છે, પરંતુ આ વર્ષે કોરોનાને લઈ નિયંત્રણ હોવાથી રસ્તા પર માત્ર પોલીસના જવાનો બંદોબસ્તમાં જાેવા મળી રહ્યા છે.ક્રાઈમ બ્રાન્ચ વાળા રથને પાછળથી ધક્કો મારી રહ્યા હતાં જાે કે પોળોમાં પોત પોતાના ઘરોની અગાસીમાંથી ભકતોએ ભગવાનના રથના દર્શન કર્યા હતાં. આ પહેલા પહેલી વખત ભક્તો વગર ભગવાન જગન્નાથની મંગળા આરતી કરવામાં આવી હતી. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે તમામ વિધિ કરવામાં આવી હતી

શહેર પોલીસ કમિશ્નરે રથયાત્રા શાંતિપૂર્વક યોજાવવા બદલ લોકોનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે રથયાત્રા શાંતિપૂર્ણ યોજાવવામાં પહેલો આભાર હું લોકોનો માનીશ કે તેમણે કોરોના પ્રોટોકોલનો ભંગ ન કર્યો અને શાંતિથી પોતાના ઘરેથી જ દર્શન કર્યા છે.મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સતત પાંચમી વાર ભગવાન જગન્નાથની રથયાત્રાની પહિન્દ વિધિનું સૌભાગ્ય પ્રાપ્ત કર્યું છે મુખ્યમંત્રીએ રથયાત્રાના મંદિરથી પ્રસ્તાથન માર્ગની સોનાની સાવરણથી સેવા સફાઇ કરી પંહિન્દ વિવિધ સંપન્ન કરી હતી. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું

કોરના વાઇરસના સંક્રમણને કારણે આ વર્ષે કોવીડ પ્રોટોકોલ પ્રમાણે રથયાત્રા યોજાઇ છે ભગવાન જગન્નાથ દર્શન કરીને દેશ અને ગુજરાત રાજય કોરોના મહામારીથી બહાર આવી કોરોના મુકત રાજય બને તેવી પ્રાર્થના કરી છે. સમગ્ર રાજયમાં સ્થિતિ પૂર્વવત બને તેવી ભગવાન જગન્નાથને પ્રાર્થના કરી છે આજે અષાઢી બીજ કચ્છી સમાજના લોકોના નવ વર્ષની શરૂઆત પ્સંગે મુખ્યમત્રી વિજય રૂપાણીએ કચ્છી સમાજના લોકોને નુતન વર્ષની શુભેચ્છા પાઠવી હતી.કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પરિવાર સાથે મંગળા આરતી કરી હતી.

મંગળા આરતીમાં રાજયના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા હાજર રહ્યાં હતાં મંગળા આરતી બાદ પ્રદિપસિંહ જાડેજાએ ભગવાનની આંખો પરથી પાટા દુર કર્યા હતાં. દર વર્ષની જેમ આ વખતે પણ જગન્નાથનજીના ચરણોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોકલેલી પ્રસાદી ધરાવવામાં આવી હતી. પ્રસાદીમાં મગ કાકડી જાંબુ કેરી સુકા મેવા હતાં


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.