શ્રીકૃષ્ણની બાળલીલાના સ્થળ રમણ રેતી ધામમાં રામકથા યોજાશે
પૂજ્ય શ્રી મોરારી બાપુની 851મી રામકથાનો 19 નવેમ્બરથી પ્રારંભ
ગુજરાતના ઐતિહાસિક ગિરનાર પર્વત ઉપર તાજેતરમાં વર્ચ્યુઅલ રામકથા સફળતાપૂર્વક સમાપ્ત કર્યાં બાદ હવે પૂજ્ય મોરારી બાપુ 19મી નવેમ્બરથી તેમની 851મી રામકથાનો શુભારંભ કરશે. ભગવાન શ્રી કૃષ્ણની બાળલીલાના સ્થળ શ્રી રમણરેતી ધામમાં પૂજ્ય શ્રી મોરારીબાપુ 11 દિવસીય રામકથા યોજશે.
પૂજ્ય સ્વામી કાર્ષ્ણિ ગુરુશરણાનંદજી મહારાજની ઉપસ્થિતિમાં 19 નવેમ્બરથી 29 નવેમબર સુધી યોજાનારી આ રામકથામાં ઉત્તર પ્રદેશ સરકારના કોવિડ-19 સંબંધિત દિશા-નિર્દેશોનું સખ્તાઇથી પાલન કરવામાં આવશે.
આ અંતર્ગત શ્રોતાઓની સુરક્ષાને ધ્યાનમાં રાખતાં સીમિત સંખ્યામાં જ શ્રોતાઓને કથામાં સામેલ થવાની મંજૂરી રહેશે તેમજ સામાજિક અંતર સહિતના નિયમોનું પાલન કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે શ્રી ઉદાસીન કાર્ષ્ણિ આશ્રમ શ્રી રમણરેતી ધામ, મહાવન (ગોખુલ), મથુરાથી રામકથાનું સીધી પ્રસારણ કરવામાં આવશે, જેથી દેશભરમાં શ્રોતાઓ તેનો લાભ લઇ શકે.
જે લોકો કથામાં સામેલ થઇ શકે નહીં તેઓ 19 નવેમ્બરે સાંજે 4થી7 અને તેમજ 20થી 29 નવેમ્બર સુધી સવારે 9.30થી બપોરે 1 વાગ્યા સુધી આસ્થા ચેનલ ઉપર પ્રસારણ જોઇ શકે છે.
મહત્વપૂર્ણ છે કે ગિરનારમાં યોજાયેલી વર્ચ્યુઅલ રામકથામાં પણ શ્રોતાઓની સુરક્ષા અને સલામતીને લક્ષ્યમાં રાખીને ઇલેક્ટ્રોનિક માધ્યમ દ્વારા શ્રોતાઓ માટે રામકથાનું પ્રસારણ કરવામાં આવ્યું હતું.