ભગવાન “સૌની કોરોના વાયરસથી રક્ષા કરે” તેવા હેતુથી. કુમકુમ મંદિર દ્વારા ભગવાન ઉપર વરિયાળીના જળથી અભિષેક કરવામાં આવ્યો
આપણે ભગવાનને પ્રાર્થના કરવી પછી ભગવાન જે પરિસ્થિતિમાં રાખે તેમાં રાજી રહેવું. – સાધુ પ્રેમવત્સલદાસજી કુમકુમ
ફાગણ માસની અમાવાસ્યાના દિને શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ – મણિનગર અમદાવાદના મહંત શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીએ હાલની કોરોના વાયરસની ઉપાધિનું શમન થાય અને સૌ સુખી થાય તેવા હેતુથી શ્રી હરિકૃષ્ણ મહારાજ ઉપર વરિયાળીના જળથી અભિષેક કર્યો હતો અને શ્રી સ્વામિનારાયણ ભગવાનને પ્રાર્થના કરવામાં આવી હતી.
આ પ્રસંગે કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, હાલ કોરોના વાયરસની મહામારીએ સર્વત્ર હાહાકાર મચાવી દીધો છે ત્યારે આ ઉપાધિનું શમન થાય અને સૌનું સ્વાસ્થ્ય સારું રહે તેવા હેતુથી ભગવાનની પ્રસન્નતા માટે વરિયાળીના જળથી શ્રી હરિકૃષ્ણ મહારાજ ઉપર અભિષેક કર્યો હતો. અને ભગવાનને પ્રાર્થના કરવામાં આવી હતી. કારણ કે, ભગવાન જે ધારે તે કરવાને સમર્થ છે.આ જગતની ઉત્પત્તિ,સ્થિત અને પ્રલયના કર્તા ભગવાન છે.તેથી આપણે સહુ તેમને પ્રાર્થના કરીએ કે, આ પૃથ્વી ઉપર જે કોઈ માણસો છે એ તમારા સંતાનો છે,અને તમો દયાળુ છો તો સર્વની રક્ષા કરો.
આપણે ભગવાનને પ્રાર્થના અવશ્ય કરવી જોઈએ. “હે ભગવાન ! આ અમારી અરજી, બાકી તમારી મરજી”…. આપણે ભગવાને પ્રાર્થના કરી દેવી,પછી ભગવાન જે પરિસ્થિતિમાં રાખે તેમાં રાજી રહેવું.શ્રી મુક્તજીવન સ્વામીબાપાએ માટે જ સૂત્ર આપ્યું છે કે, ભગવાન રાખે તેમ રહેવું,દેખાડે તે જોવું.
આ પ્રસંગે કુમકુમ મંદિરના મહંત શાસ્ત્રીશ્રી આનંદપ્રિયદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે, આપણે જે કોઈ ભગવાનને પ્રાર્થના કરીએ છીએ,તે ભગવાન અવશ્ય સાંભળે છે.આપણને ભગવાનમાં શ્રદ્ધા અને વિશ્વાસ હોવો જોઈએ. સાચા ભાવથી કરેલી પ્રાર્થનાનો ભગવાન અવશ્ય સ્વીકાર કરે છે. આપણો ધર્મ છે કે, આપણે ભગવાને પ્રાર્થનાં કરવી, પછી ભગવાન જે પરિણામ આપે તેને સ્વીકારીને રાજી રહેવું જોઈએ.
– સાધુ પ્રેમવત્સલદાસજી કુમકુમ