ભચાઉ : નર્મદા કેનાલમાં પાણી પીવા ઉતરેલા એક જ પરિવારના ૩ સભ્યોના ડૂબી જવાથી મોત
ભુજ: કચ્છના ભચાઉ ખાતે નર્મદા કેનાલમાં ડૂબી જવાથી એક જ પરિવારના ત્રણ લોકોના મોત નિપજતા ભારે ચકચાર ફેલાઈ છે ઘરના મોભી પિતા અને ભાઈ-બહેન સવારના સમયે કેનાલમાં પડી ગયા હતા. લાંબી શોધખોળ બાદ બપોરે ત્રણેયની લાશ મળી આવતા વિસ્તારમાં ભારે આક્રંદ છવાઈ ગયો છે.
ઘટનાની વિગતો મુજબ ભચાઉની કેનાલમાં વોંન્ધ ગામનો પરિવાર તણાયો હતો. સાત કલાકની જહેમત બાદ કેનાલમાંથી મૃતદેહ મળી આવ્યા હતા.
લોધેશ્વર સંપથી એક કિલોમીટર દૂર આવેલી કેનાલમાં આ ઘટના બની હતી. મળેલી માહિતી પ્રમાણે કેનાલમાં ભાઈ પડી જતા તેને બચાવવા માટે બહેન કૂદી હતી. આ પછી બંને બાળકોને બચાવવા પિતાએ કેનાલમાં કૂદકો માર્યો હતો. જાેકે પાણીનું વહેણ વધુ હોવાથી ત્રણેય જણા તણાઈ ગયા હતા અને મોતને ભેટયા હતા.
બીજી તરફ એવું પણ જાણવા મળ્યું છે કે પરિવાર ખેતીએ મજૂરીએ જતો હતો ત્યારે રસ્તામાં પાણી પીવા માટે કેનાલ પાસે છકડો ઉભો રાખ્યો હતો. જે દરમિયાન આ ઘટના બની હોવાનું માનવામાં આવે છે. સ્થળ પરથી છકડો, દાતરડું, ચંપલ પણ મળી આવ્યા હતા. આ ઘટનાએ ભચાઉ પંથકમાં ભારે ચકચાર જગાવી છે.મૃતકોમાં માનસંગ હીરા કોલી (ઉંમર- ૩૮), પુત્રી શાંતિ માનસંગ કોલી (ઉંમર- ૧૦ અને પુત્ર બળદેવ માનસંગ કોલી (ઉંમર- ૮) નો સમાવેશ થાય છે.આ ધટનાથી પરિવારમાં શોક ફેલાયો છે.