ભજનલાલ શર્માએ એક સમયે ભાજપ વિરુદ્ધ જ ચૂંટણી લડી હતી
BJP વિરુદ્ધ જ ચૂંટણી લડી ચૂક્યા છે ભજનલાલ શર્મા
ભાજપ સામે બળવાખોર ઉમેદવાર તરીકે ચૂંટણી લડી હતી
ભાજપે રાજસ્થાનમાં તમામ દાવેદારોને બાજુ પર હડસેલીને ભજનલાલ શર્માને મુખ્યમંત્રી બનાવ્યા છે
જયપુર, ભારતીય જનતા પાર્ટીએ રાજસ્થાનમાં તમામ દાવેદારોને બાજુ પર હડસેલીને ભજનલાલ શર્માને મુખ્યમંત્રી બનાવ્યા છે. પહેલીવાર વિધાયક બનેલા ભજનલાલ શર્મા વિશે હવે રસપ્રદ વાતો સામે આવી રહી છે. લાંબા સમયથી ભાજપ સાથે જોડાયેલા ભજનલાલ શર્મા એક સમયે ભાજપ વિરુદ્ધ જ ચૂંટણી લડી ચૂક્યા છે. આ વાત ઘણી જૂની છે પરંતુ હવે મુખ્યમંત્રી બનતા ભજન લાલ શર્મા વિશે બધી વાતો ખુલીને સામે આવી રહી છે.
આ વખતે ભાજપે તેમને સૌથી સુરક્ષિત ગણાતી ગાંગાનેર બેઠકથી ચૂંટણી લડાવી હતી અને તેઓ ૪૮૦૦૦ મતોથી જીત્યા. રાજસ્થાનના નવા મુખ્યમંત્રી તરીકે જેમના નામની જાહેરાત થઈ તે ભજનલાલ શર્મા (૫૬) છેલ્લા ૩૪ વર્ષથી રાજકારણમાં સક્રિય છે. તેમણે એક વખત ભાજપ સામે બળવાખોર ઉમેદવાર તરીકે ચૂંટણી લડી હતી અને પોતાની ડિપોઝિટ ગુમાવી હતી. ભજનલાલ શર્મા ૨૦૦૩માં રાજસ્થાન સામાજિક ન્યાય મંચનું પ્રતિનિધિત્વ કરતા ભાજપના બળવાખોર તરીકે ભરતપૂરના નદબઈથી વિધાનસભા ચૂંટણી લડ્યા હતા.
જો કે તેઓ ફક્ત ૫૯૬૯ મત સાથે પાંચમા નંબરે રહ્યા હતા. જેનાથી તેમની ડિપોઝિટ જપ્ત થઈ હતી. કારણ કે અપક્ષ ઉમેદવાર કૃષ્ણેન્દ્ર કૌર (દીપા)એ ૨૭૨૯૯ મત મેળવીને ચૂંટણી જીતી હતી.કૃષ્ણેન્દ્રકૌરે બીએસપીના સંજય સિંહ, કોંગ્રેસના યશવંત સિંહ રામૂ અને ભાજપના જિતેન્દ્ર સિંહને સારા માર્જિનથી હરાવ્યા હતા. અત્રે જણાવવાનું કે ભાજપે રાજસ્થાનમાં બધાને ચોંકાવતા પહેલીવાર વિધાયક બનેલા ભજનલાલને રાજસ્થાનના આગામી મુખ્યમંત્રી જાહેર કર્યા છે. જયપુર જિલ્લાના સાંગાનેરથી ચૂંટાયેલા ભજનલાલ શર્મા ભાજપની રાજ્ય શાખામાં પદાધિકારી રહ્યા છે.
ભરતપુરના રહીશ હોવાના કારણે ચૂંટણી પહેલા સાંગાનેરમાં કેટલાક લોકોએ શર્માને ‘બહારી’ ગણાવ્યા હતા. જો કે તેમણ કોંગ્રેસના પુષ્પેન્દ્ર ભારદ્વાજને ૪૮૦૮૧ મતથી હરાવીને જીત મેળવી હતી. ભજનલાલ શર્મા જેમને પાર્ટી સંગઠન અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) બંને ખુબ નજીકથી જાણે છે. ચાર રાજ્યના ભાજપ અધ્યક્ષો અશોક પરનામી, મદનલાલ સૈની, સતીષ પૂનિયા અને સી પી જોશી હેઠળ રાજ્ય મહાસચિવ રહ્યા છે.ss1