ભઠિંડાના મહિન્દ્રા કારના શો રૂમમાં આગથી ૧૦૦થી વધુ કાર ખાખ

શોટ સર્કિટના ભીષણ આગ લાગી હોવાનો મેનેજરનો દાવો
નવી દિલ્હી, પંજાબના ભઠિંડા ખાતે આવેલા મહિન્દ્રા કંપનીના એક કાર શોરૂમમાં ભારે મોટી આગ હોનારત નોંધાઈ છે. આ દુર્ઘટનામાં ૧૦૦થી પણ વધારે ગાડીઓ સળગીને રાખ થઈ ગઈ હોવાનું અનુમાન છે. આગ હોનારત અંગે જાણ થતા જ ફાયર વિભાગની ૬ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગને કાબૂમાં લેવાનો પ્રયત્ન શરૂ કરી દીધો હતો.
આગનું સ્વરૂપ ખૂબ જ વિકરાળ હોવાથી ફાયર વિભાગની અન્ય ગાડીઓને પણ ઘટના સ્થળે પહોંચવા જાણ કરવામાં આવી હતી. શોરૂમના માલિકના કહેવા પ્રમાણે કરોડો રૂપિયાનું નુકસાન થયાની આશંકા છે. શોરૂમમાં રહેલી નવી ગાડીઓની સાથે જ જે ગાડીઓ રિપેરિંગ માટે આવી હતી તે પણ સળગી ગઈ છે.
શોરૂમના મેનેજરે શોટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન દર્શાવ્યું હતું. આ દુર્ઘટનામાં કેટલું નુકસાન થયું તેનો ચોક્કસ આંકડો થોડા સમય બાદ સામે આવશે.