ભડિયાદ જતાં પદયાત્રિકોને અકસ્માત
બાવળા પાસે કારચાલકે ટક્કર મારતાં યુવકનું મોત
(પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદ નજીક આવેલા ભડિયાદ ખાતે પ્રતિવર્ષ યોજાતા ઉર્સ મેળામાં હાજરી આપવા હજારો શ્રધ્ધાળુઓ પગપાળા પહોંચી રહયા છે હાલમાં ભડિયાદ જતા માર્ગો પર મોટી સંખ્યામાં પદયાત્રીકો જાવા મળી રહયા છે આ દરમિયાનમાં ગઈકાલ મોડી રાત્રે પુરઝડપે આવતી એક કારે પદયાત્રિકોને ટક્કર મારતાં એક યુવકનું સ્થળ પર જ મોત નીપજયું હતું જયારે અન્ય કેટલાક પદયાત્રિકોને ઈજાઓ થઈ હોવાનું જાણવા મળી રહયું છે. આ ઘટનાના પગલે ઉચ્ચ પોલીસ અધિકારીઓ દોડી આવ્યા હતાં જાકે કાર ચાલક અકસ્માત સર્જીને ભાગી ગયો હતો જેની શોધખોળ શરૂ કરવામાં આવી છે.
પવિત્ર ભડિયાદના ઉર્સ મેળામાં હજ્જારો શ્રધ્ધાળુઓ પગપાળા જતા હોય છે આ વર્ષે પણ અમદાવાદ સહિત રાજયભરમાંથી મોટી સંખ્યામાં પદયાત્રિકો ભડિયાદ જઈ રહયા છે અને માર્ગમાં ઠેરઠેર પદયાત્રિકો માટે કેમ્પો પણ શરૂ કરવામાં આવેલા છે. ગઈકાલે રાત્રે નાંદોલિયાથી ભડિયાદ જવા માટે કેટલાક સ્થાનિક શ્રધ્ધાળુઓ નીકળ્યા હતાં.
આ યાત્રાળુઓ બાવળા- બગોદરા હાઈવે પર રાણેસર નજીક પહોંચ્યા હતાં ત્યારે અચાનક જ એક પુરઝડપે આવતી કારના ચાલકે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવી દેતા પદયાત્રિકોને હડફેટમાં લીધા હતા આ અકમાતમાં કડીના રહેવાસી ર૦ વર્ષનો યુવક શાહીલનું ઘટના સ્થળ પર જ કમકમાટીભર્યું મોત નીપજયું હતું
જયારે વાસીમભાઈ સહિત કેટલાક પદયાત્રિકોને ઈજાઓ પહોંચી હતી અકસ્માતના પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા બીજી બાજુ ઘટનાની જાણ પોલીસ અધિકારીઓને કરવામાં આવતા તેઓ પણ દોડી આવ્યા હતાં અને ઈજાગ્રસ્તોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.
અકસ્માત બાદ કાર ચાલક ભાગી છુટયો હતો પોલીસે તેને ઝડપી લેવા માટે તપાસ શરૂ કીર છે. મૃતક યુવકના પરિવારજનો પણ ખૂબ જ વ્યથિત જણાતા હતા અકસ્માતના પગલે પદયાત્રિકોમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. સ્થાનિક પોલીસે આ અંગે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.