સુરતઃ ભત્રીજી ઉપર દુષ્કર્મ આચરી ગર્ભવતી કરનારને જન્મટીપ
સુરત : સુરતના સલાબતપુરા વિસ્તારમાં રહેતી સગીર ભત્રીજી સાથે એક વર્ષથી બળજબરીથી શરીર સંબંધ બાંધી ગર્ભવતી બનાવી દેનાર આરોપી ફુઆને સુરતની સેશન્સ કોર્ટે બહુ મહત્વના ચુકાદા મારફતે આજીવન કેદની સજા ફટકારી છે. વધુમાં કોર્ટે આરોપી ફુઆને એક લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો અને તેમાંથી ભોગ બનનાર કિશોરીને રૂ.૫૦ હજારનું વળતર ચૂકવવા પણ હુકમ કર્યો હતો. આ કેસમાં બાળકીની માતાએ તેનું પેટ દેખાતા હોસ્પિટલમાં સોનોગ્રાફી કરાવી હતી.
જે તબીબી રિપોર્ટમાં ભોગ બનનાર ગર્ભવતી હોવાનું બહાર આવતા ફુઆની પાપી કરતૂતનો ભાંડો ફૂટી ગયો હતો. બાદમાં આરોપી ફુઆ વિરૂધ્ધ સુરત સેશન્સ કોર્ટમાં ટ્રાયલ ચાલી જતાં આજે કોર્ટે આ મહત્વનો ચુકાદો સંભળાવ્યો હતો. આ કેસની વિગત એવી છે કે, આજથી ચારેક વર્ષ પહેલાં સુરતના સલાબતપુરા વિસ્તારમાં રહેતી સગીર ભત્રીજી સાથે શરીર સંબંધ બાંધી ગર્ભવતી બનાવી દેનાર આરોપી ફુઆ ગુલામ યુસુફ ગોરૂ મિયા ગુલામ રસુલ શેખની સલાબતપુરા પોલીસે પોક્સો એક્ટ તથા સગીરા પર દુષ્કર્મ આચરી ધમકી આપવાના કેસમાં જેલ ભેગો કર્યો હતો.
ભોગ બનેલી સગીર બાળકીની માતાએ તા.૨૬ નવેમ્બર ૨૦૧૫ના રોજ પોતાના મકાનમાં ભાડેથી રહેતા નણદોઈ ગુલામ યુસુફ ઉર્ફે ગોરૂ મિયા શેખ વિરૂદ્ધ સલાબતપુરા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ ભોગ બનનાર સગીરા સાથે આરોપી ફુઆએ ઘરમાં સફાઈ કામના ઇરાદે બોલાવી તેના પર દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ આરોપીએ કોઈને કહીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી એકથી વધારે વાર દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી દીધી હતી. જે અંગે બાળકીની માતાએ તેનું પેટ દેખાતા હોસ્પિટલમાં સોનોગ્રાફી કરાવી હતી.
જે તબીબી રિપોર્ટમાં ભોગ બનનાર ગર્ભવતી હોવાનું બહાર આવતા માતાએ પોતાની પુત્રીને આ અંગે પૂછતા આરોપી ફુઆ ગુલામ રસુલ શેખે છેલ્લા એક વર્ષથી શરીર સંબંધ બાંધી ધમકી આપતો હોવાનું બહાર આવ્યું હતું. સલાબતપુરા પોલીસે પોક્સો એક્ટ તથા સગીરા પર દુષ્કર્મ આચરી ધમકી આપવાના કેસમાં ફુઆ ગુલામ યુસુફને જેલ ભેગો કર્યો હતો. આ કેસમાં સુરત સેશન્સ કોર્ટે રેકર્ડ પરના પુરાવા તથા એપીપી દિગંત તેવારની રજુઆતોને ગ્રાહ્ય રાખી આરોપી ગુલામ રસુલ શેખને તમામ ગુનામાં દોષિત ઠેરવ્યો હતો. કોર્ટે આરોપી ફુઆને સગીર બાળકી પર દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી દેવાના ગુનામાં આજીવન કેદની સજા અને એક લાખ રૂપિયાનો દંડ અને દંડ ન ભરે તો વધુ બે વર્ષની કેદની સજા ફટકારી હતી.