Western Times News

Gujarati News

ભરુચમાં 7 ઇંચ વરસાદથી પૂર જેવી સ્થિતિ સર્જાઈ

ભરુચ, સમગ્ર રાજ્ય સહિત ભરૂચ જિલ્લામાં પણ ગુલાબ વાવાઝોડાને પગલે ધોધમાર વરસાડ પડ્યો છે. જિલ્લામાં 14 કલાકમાં જ મૌસમના 12% વરસાદ પડતાં જનજીવન ઠપ થયું છે. સૌથી વધુ ભરૂચમાં 7 ઇંચ અને હાંસોટમાં 6.5 વરસાદ ખાબક્યો છે, તો અંકલેશ્વરમાં 5.5 ઇંચ વરસાદ પડ્યો છે. ભારે વરસાદને પગલે ભરૂચ શહેરના ફુરજા, ડભોઈયાવાડ, સેવાશ્રમ રોડ, કસક સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં હતાં. સવારના નોકરિયાત વર્ગને ભારે હાલાકી પહોંચી હતી, તો અનેક શાળાઓમાં વિદ્યાર્થીઓને રજા જાહેર કરી દેવામાં આવી હતી.

મોડી રાતથી મેઘરાજા ભરૂચમાં ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. ભારે વરસાદના પગલે ભરૂચ-અંકલેશ્વરના ત્રણ રસ્તા સર્કલ નજીક આવેલા સંજય નગરમાં સ્થાનિકોના ઘરમાં ઘૂંટણસમાં પાણી ભરાતાં લોકોની હાલત કકોડી બની હતી. દોઢ ફુટ જેટલા પાણી ઘરોમાં ભરાતાં ઘર સામાન પાણીમાં તરવા લાગ્યો હતો.

જિલ્લામાં મોડી રાતથી વરસી રહેલા ભારે વરસાદના કારણે અનેક રસ્તાઓ નદીઓમાં ફેરવાયા છે, તો કેટલીક જગ્યાએ મસમોટા ખાડા અને ભુવાઓ પડતાં વાહન ચાલકોને હાંલાકી વેઠવાનો વારો આવ્યો છે. જિલ્લાના મકતમપુર રોડ પર વરસાદના લીધે પડેલા ખાડામાં ટ્રક ખાબકવાની ઘટના સામે આવી છે. જોકે, સદનસીબે કોઇ જાનહાનિ ન થયાના અહેવાલ છે.​​​​​​​

હવામાન વિભાગની આગાહીને પગલે રાજ્યભરમાં વરસાદી માહોલ જામ્યો છે. જ્યારે ભરૂચમાં વીજળીના કડાકાભડાકા સાથે મેહુલિયાએ રાતભર વિસ્ફોટક બેટિંગ કરી છે. ભારે વરસાદને કારણે અંકલેશ્વર- સુરત સ્ટેટ હાઇવે પર પાણી ભરાતાં કડકિયા કોલેજ નજીક મુખ્ય માર્ગ પર પાણી ફરી વળતાં વાહનવ્યવહારને અસર પહોંચી છે. ભરૂચમાં સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા સુધીમાં બે કલાકમાં 3.5 ઇંચ વરસાદ ખાબક્યો છે.

રાજ્યમાં 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને 20 જિલ્લામાં આજે યેલો એલર્ટ આપવામાં આવ્યું છે. રાજ્યમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદ થવાની પણ આગાહી કરવામાં આવી છે. ત્યારે ભરૂચ સહિત રાજ્યભરમાં વરસાદી માહોલ છવાયો છે. ‘ગુલાબ’ નામનું ચક્રવાતી વાવાઝોડું ઓડિશાના સાગરકાંઠે બે દિવસ પહેલાં ટકરાયા બાદ નબળું પડ્યું હતું.

ચક્રવાતની અસર હેઠળ મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાનના અમુક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આગામી ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.