ભરૂચના કતોપોર બજારની પોલીસ ચોકીની સામે જ તસ્કરોએ એક રાતમાં સાત દુકાનોને નિશાન બનાવી
(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચના કતોપોર બજારની સાત દુકાનોને એક રાત્રીએ તસ્કરોએ નિશાન બનાવી દુકાનના શટરોના નકુચા કાપીને લાખોની મત્તા ઉપર હાથફેરો કરી જતા પોલીસના નાઈટ પેટ્રોલીંગના ધજાગરા ઉડી ગયા છે.
બનાવની મળતી માહિતી અનુસાર ભરૂચના કતોપોર બજારની લાલબજાર પોલીસ ચોકીની સામે આવેલી સાત જેટલી દુકાનોને મોડી રાત્રીએ અજાણ્યા તસ્કરોએ નીશાન બનાવી હતી. જે અજાણ્યા તસ્કરોએ પોલીસ ચોકીની સામે આવેલી જવેલર્સની દુકાનના શટરનું તાળુ નકુચા સાથે કાપી અજાણ્યા તસ્કરોએ દુકાનમાં પ્રવેશી રૂપિયા સહિત દાગીના મળી અંદાજીત ત્રણ લાખ ઉપરાંતની મત્તા ઉપર હાથ ફેરો કરી તસ્કરો અંધારામાં ઓગળી ગયા હતા તો જવેલર્સની દુકાનની આસપાસ આવેલી ગારમેન્ટો તથા ગાદલાની દુકાનો મળી અંદાજીત સાત જેટલી દુકાનોને પણ તસ્કરોએ નીશાન બનાવી દુકાનોમાં રહેલા ગલ્લાઓમાંના રોકડા રૂપિયા તથા સામગ્રીની તસ્કરી કરી ગયા હોવાનું વેપારીઓ મીડીયા સમક્ષ જણાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે સાત જેટલી દુકાનોમાં ચોરી થઈ તે તમામ દુકાનોમાં સી.સી. ટીવી કેમેરા પણ ન હોવાના કારણે તસ્કરોનું પગેરૂ મેળવવામાં પોલીસને નીષ્ફળતા મળી શકે તેમ પણ ચર્ચાઈ રહયું છે.
એક જ રાત્રીએ સાત દુકાનમાં તસ્કરીની ઘટનાને પગલે વેપારીઓમાં ભારે રોષ ભભૂકી ઉઠયો છે બનાવ સંદર્ભે બી. ડીવીઝન પોલીસના કાફલાએ ઘટના સ્થળે દોડી આવી વેપારીઓની ફરીયાદ લેવાની કવાયત શરૂ કરી અજાણ્યા તસ્કરોને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે. ભવાની જવેલર્સની દુકાનમાં સતત બીજી વખત તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો છતા પ્રથમ ચોરી બાદ પણ જવેલર્સના માલીકો ધ્વારા સી.સી. ટીવી કેમેરા ન લગાવતા બીજી વખતની ચોરીમાં પણ તસ્કરો તસ્કરીને અંજામ આપી જતા પોલીસને તસ્કરોનું પગેરૂ મેળવવામાં પરસેવો પાડવો પડશે તેમ લાગી રહયું છે.*