ભરૂચના ગેલાણી કુવા વિસ્તારના ઝુંપડાવાસીઓને સીટી સર્વેની નોટીસ થી આક્રોશ
તંત્ર પર ભેદભાવભરી નીતિનો આક્ષેપ : ઉગ્ર લડતની ચીમકી ઉચ્ચારી.
(વિરલ રાણા દ્વારા) ભરૂચ, ભરૂચ ના ગેલાણી કુવા વિસ્તારમાં ૧૫ ઝુંપડા તોડી પાડવા સિટી સર્વે અધિકારી નોટિસ ફટકારતા સ્થાનિકોએ કચેરી એ જઈ આક્રોશ વ્યક્ત કરવા સાથે તંત્ર પર ભેદભાવભરી નીતિ રાખવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો. ભરૂચના ગેલાણી કુવા વિસ્તાર રહેતા ૧૫ જેટલા ગરીબ પરિવારોને સીટી સર્વે ઓફિસ દ્વારા તેમના ઝૂંપડાઓ સરકારી જમીન પર હોવાનું જણાવી આ ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવા અંગે નોટીસ પાઠવવામાં આવી હતી.
જેના પગલે સ્થાનિકો પાલિકાના વિપક્ષના દંડક અને સ્થાનિક પાલિકા સભ્ય હેમેન્દ્ર કોઠીવાલાની આગેવાનીમાં ભરૂચ સીટી સર્વે ઓફીસ પર પહોંચી આક્રોશ વ્યક્ત કરી બાપદાદાના સમય થી તેવો અહીં રહેતા હોવાનું જણાવી તંત્ર દ્વારા ભેદભાવભરી નીતિ અપનાવામાં આવી રહી હોવાનો આક્ષેપ કરી રહ્યા હતા.સ્થાનિકો આ મુદ્દે પોતાના હક્ક માટે ઉગ્ર લડતની પણ ચીમકી ઉચ્ચારી હતી.
આ મામલે સીટી સર્વે સુપ્રીટેન્ડટ જણાવી રહ્યા હતા કે આ પ્રક્રિયા કોવિડ ના કારણે મુલતવી રાખવામાં આવી હતી.આ સરકારી જમીન હોવાથી ત્યાં ના રહીશો ને માલિકી અંગે ના જરૂરી દસ્તાવેજો રજૂ કરવા તેમને જણાવાયું છે તે કામગીરી જ આજે કરાઈ રહી છે.વર્ષો થી રહેતા હોવાથી માલિકી હક્ક મળતો નથી. જોકે આ લોકો માટે ની વૈકલ્પિક વ્યવસ્થા અંગે કોઈ ફોડ તેમને પાડ્યો ન હતો.આગામી દિવસો માં ગેલાણી કુવા વિસ્તાર ના આ રહીશો દ્વારા તંત્ર ની નીતિ રીતિ સામે ઉગ્ર આંદોલન મંડાણ થાય તેમ લાગી રહ્યું છે.ત્યારે તંત્ર શુ કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું.