ભરૂચના જ્યોતિ નગર ફિલ્ટરેશન પ્લાન્ટની વર્ષો જૂની જર્જરિત પાણીની ટાંકી ઉપરથી લોખંડની એંગલો પડતા રહીશોમાં રોષ
(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ નગર પાલિકા સંચાલીત જ્યોતિ નગર ફીલ્ટરેશન પ્લાન્ટ ની પાણીની ટાંકી વર્ષો જુની અને જર્જરિત હોવા છતાં ઉતારી લેવામાં પાલીકા લાપરવાહી દાખવતા હોવાના આક્ષેપ સાથે ટાંકી ની આસપાસ રહેતા સ્થાનીકોએ પાલિકામાં રજૂઆત અર્થે આવ્યા પરંતુ ચીફ ઓફીસર પ્રમુખ નહિ મળતા નિરાશ થઈ રોષ ઠાલવ્યો હતો.
ભરૂચમાં પ્રથમ વરસાદને પગલે ભરૂચના મક્તમ પૂર નજીક આવેલ જ્યોતિ નગર ફિલ્ટરેશન પ્લાન્ટ ની વર્ષો જૂની પાણી ની ટાંકી નો દાદર નો સ્લેબ ધસી પડતા આસપાસના રહીશોમાં ફફડાટ મચી ગયો હતો.
જે બાદ પાણીની ટાંકી સોસાયટી વિસ્તાર તરફ નમી જવા સાથે રહીશો ભયના ઓઠા હેઠળ જીવી રહ્યા છે.ત્યારે સમગ્ર પાણીની ટાંકી ઉતારી લેવા માટે ભરૂચ નગર પાલિકા ને જાણ કરી હતી.જે બાદ પાલિકાના ચીફ ઓફિસર સંજય સોની એ પણ સ્થળ નિરીક્ષણ કરી પંદર દિવસમાં ટાંકી ઉતારી લેવાશે તેમ જણાવ્યું હતું.જે બાદ દિવસો વીતવા બાદ પણ જર્જરીત પાણીની ટાંકી નહીં ઉતારતા ટાંકી ઉપર રહેલ લોખંડની એંગલો નીચે પડતા સોસાયટીના રહીશોમાં ફફડાટ મચી ગયો છે. જો કે પાણીની ટાંકી ઉપર થી લોખંડ ની એંગલ પડયા બાદ પાણીની ટાંકી ઉતારી લેવા સ્થાનિક રહીશોએ પાલિકા ઉપર દોડી આવી રજૂઆત કરવા ગયા તો નગર પાલિકા માં પ્રમુખ કે ચીફ ઓફિસર હાજર ન મળતા સ્થાનિકો માં રોષ જોવા મળી રહ્યો છે અને રજુઆત કરવી તો કોને કરવી તે પણ એક સમસ્યા ઉભી થઈ હતી.
ઉલ્લેખનીય બાબત એ છે કે જો આ જર્જરિત પાણીની ટાંકી ધસી પડે તો અનેક નિર્દોષો અકસ્માતનો ભોગ બની શકે તેમ છે.ત્યારે પાલિકા વહેલી તકે આ જર્જરિત પાણીની ટાંકી ઉતારી લે તેવી માંગ ઉઠી છે.ત્યારે હવે જોવું એ રહ્યું કે આ જર્જરિત પાણી ની ટાંકી પાલિકા ક્યારે ઉતારે છે.*