ભરૂચના નવ તાલુકાના ૧૦૦ થી વધુ ગામોમાં મોબાઈલ નેટવર્ક વિના વિદ્યાર્થીઓ ઓનલાઈન શિક્ષણથી વંચિત
(વિરલ રાણા દ્વારા) ભરૂચ: ગુજરાત સરકાર ભલે તમામ કામગીરી ડીજીટલ કરી રહી હોય પણ ભરૂચ જિલ્લાના નવ તાલુકાના ૧૦૦ થી વધારે ગામોમાં મોબાઈલ નેટવર્કના ધાંધિયા જોવા મળી રહ્યા છે.જેના કારણે તાજેતર માં ચાલી રહેલી મહામારી ના કારણે ઓનલાઈન શિક્ષણ થી ગરીબ,આદિવાસી સહિત હજારો વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ આજે શિક્ષણ થી વંચિત થઈ રહ્યા છે.ત્યારે ઘણા એવા પરિવારો છે કે એન્ડ્રોઈડ મોબાઈલ વાપરી શકતા નથી તેવા પરિવારો પોતાના વિદ્યાર્થીઓ ને ઓનલાઈન શિક્ષણ કેવી રીતે પૂરું પાડી શકે તે પણ એક ચર્ચા નો વિષય બની ગયો છે.
કોરોના વાયરસની મહામારીમાં શાળા તથા કોલેજો બંધ હોવાથી ઓનલાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યુ છે. શહેરી વિસ્તારોમાં બાળકો મોબાઇલથી શિક્ષણ મેળવી રહ્યા છે.પણ અંતરિયાળ ગામડાઓમાં મોબાઈલ નેટવર્કના અભાવે બાળકો શિક્ષણથી વંચિત રહી ગયા છે.સાંપ્રત સમયમાં મોટાભાગની કામગીરી ઓનલાઈન થઈ રહી છે અને સરકારી કચેરીઓમાં પણ ઓનલાઇન કામગીરીનો આગ્રહ રાખવામાં આવે છે તેવામાં નેત્રંગ તાલુકાના ગરીબ અને અભણ આદિવાસીઓ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે.
વર્ષ ૨૦૧૪ માં ભરૂચ જીલ્લાના વાલીયા-ઝધડીયા તાલુકા માંથી ૭૬ ગામો અલગ પાડી નવો નેત્રંગ તાલુકો બનાવ્યો હતો અને નવો તાલુકો બન્યા બાદ રાજ્ય સરકારે કરોડો રૂપિયાના ખર્ચે તાલુકા સેવા સદન,તાલુકા પંચાયત,મહિલા આઈટીઆઈ,સામુહિક આરોગ્ય કેન્દ્ર સહિત પોલીસ સ્ટેશન નું નિર્માણ કરવામાં આવ્યું છે.આમ છતાં નેટવર્કના અભાવે લોકોને સુવિધા મળવાને બદલે દુવિધાઓ વધી રહી છે.
નેત્રંગ તાલુકાના ૨૧ ગામોમાં ૧૦૦ ટકા આદિવાસી સમાજના લોકો વસવાટ કરે છે.આ ગામોમાં મોબાઇલના ટાવર નહિ હોવાથી નેટવર્ક આવતું નથી. વાતચીત કરવા માટે નેત્રંગ તાલુકા મથક સુધી આવવું પડે છે.ઇમજન્સીમાં પણ આ ગામના લોકોને ઝડપથી મદદ મળી શકતી નથી.આ ગામના લોકો વહેલી તકે મોબાઈલ ટાવર ઉભા કરવામાં આવે તેવી માંગણી કરી રહ્યા છે.તો ભરૂચ જીલ્લા ના નવ તાલુકા ના ૧૦૦ થી વધુ ગામો માં ઈન્ટરનેટ ના નેટવર્ક ના અભાવે તાજેતર માં ચાલી રહેલી મહામારી ના સમયે આજેપણ ગરીબ અને મધ્યમવર્ગ ના લોકો શિક્ષણ થી વંચિત થઈ રહ્યા છે.ત્યારે ડિજિટલ ગુજરાત ની વાત કરતી સરકાર આદિવાસી વિસ્તાર અને સ્લ્મ વિસ્તારો માં નિરીક્ષણ કરે તો ખબર પડે ગુજરાત કેટલું ડિજિટલ છે.
નેત્રંગ તાલુકાના વાંકોલ,ઉમરખડા,કોલીયાપાડા,પાડા,વણખુટા,મચામડી,મુગજ,ઢેબાર,ધોલેખામ,કાકરપાડા,સજનવાવ, ખાખરીયા, જામોલી, માંડવી, કોચબાર,ઝરણા,મોવી,ખરેઠા,રાજાકૂવા, કો.કંપની અને વાંદરવેલી સહિતના ગામોમાં મોબાઇલ નેટવર્કના અભાવે લોકો હાલાકી ભોગવી રહ્યા છે.તો ભરૂચ જીલ્લા ના અનેક તાલુકા ના ગામો માં ઈન્ટરનેટ નો અભાવ અને નેટવર્ક ના ભાવે હજારો વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ ઓનલાઈન શિક્ષણ થી વંચિત રહેતા હોય તેવી બૂમો પણ ઉઠવા પામી છે.
ભરૂચ જીલ્લા માં કેટલાયે ગામો માં નેટવર્ક નો અભાવ હોવાના કારણે મહામારી ના સમયે ગામ માં પોતાનો સમય વિતાવવા માટે નેટવર્ક ના આવતું હોવાના કારણે ગ્રામ્ય વિસ્તારો માં મોબાઈલ માં નેટવર્ક આવે તે માટે પાણી ની ટાંકી સહિત ઊંચાઈ વાળી જગ્યા ઉપર જવા માટે મજબુર બન્યા છે.ત્યારે મોબાઈલ માં મશગુલ યુવાનો ઊંચાઈ એ થી નીચે પટકાય તો જવાબદાર કોણ?ત્યારે ડીજીટલ ગુજરાત ની વાત કરતી સરકાર ગ્રામ્ય વિસ્તારો માં પણ નેટવર્ક મળી રહે તેવા પ્રયાસો કરે તેવી માંગ ઉઠી રહી છે.