ભરૂચના બંબાખાના વિસ્તારમાં વસંતનગરના જર્જરિત ઈમારતનો ગેલેરી નો સ્લેબ ધસી પડ્યો
(વિરલ રાણા દ્વારા) ભરૂચ: ભરૂચના બંબાખાના વિસ્તારમાં આવેલ અંબેમાતા વિદ્યાલયની બાજુના વસંતનગર માં જર્જરિત ઈમારતનો ગેલેરી નો સ્લેબ ધસી પડતા ચાર મકાનો સહીત વાહનો નુકશાન થવા પામ્યું હતું.જોકે સદ્દનસીબે કોઈ જાનહાની થવા પામી ન હતી.
બનાવની મળતી માહિતી અનુસાર ભરૂચના બંબાખાના રોડ ઉપર આવેલ અંબેમાતા વિદ્યાલય ની બાજુ ના વસંતનગર માં મોડી રાત્રી એ જર્જરિત ઈમારતનો ગેલેરી નો સ્લેબ વરસાદી પાણીના કારણે ધોવાણ થી અચાનક ધસી પડતા લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા.
આ જ ઈમારત માં અગાઉ પણ સ્લેબ ધસી પાડવાની ઘટના માં એક વ્યક્તિ એ જીવ પણ ગુમાવ્યો હતો.ત્યારે હાલ માં ધસી પડેલા સ્લેબ નીચે રહેલા વાહનો સહીત આસપાસ ના ચાર મકાનોને મોટુ નુકશાન થવા પામ્યું હતું.તો બનાવની જાણ ભરૂચ નગર પાલિકાના ફાયર બ્રિગેડને થતા તેઓ તાત્કાલિક ટીમ સાથે ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને કાટમાળ જેસીબી મશીન વડે હટાવાની શરૂઆત કરી હતી.જો કે સ્લેબ ધરાશય થતા સદ્દનસીબે કોઈ જાનહાની થવા પામી ન હતી.
અત્રે ઉલ્લેખનીય બાબત છે કે ભરૂચ નગર પાલિકા વરસાદી ઋતુ પહેલા શહેર માં આવેલી જર્જરિત ઈમારતોને ઉતારી લેવા માત્ર નોટિસ આપી સંતોષ માણી છે.પરંતુ નોટીસ આપ્યા બાદ કોઈ નક્કર કાર્યવાહી ન કરતા વરસાદી ઋતુ માં આવી જર્જરિત ઈમારતો ધરાશય થઈ રહી છે અને લોકો અકસ્માત નો ભોગ પણ બની રહ્યા છે અને કેટલાક જીવ પણ ગુમાવી રહ્યા છે.ત્યારે પાલિકા દ્વારા આવી જર્જરિત ઈમારતો ને વહેલી ટકે ઉતારી લેવામાં આવે તે જરૂરી છે.