ભરૂચના મક્તમપુરમાં ફ્લેટની ગેલેરી ધાબા સાથે ઘસી પડતા લોકોમાં ભય ફેલાયો
![](https://westerntimesnews.in/wp-content/uploads/2024/07/0107-bharuch-3.jpg)
(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ જીલ્લામાં સંખ્યાબંધ જર્જરિત ઈમારતો આવેલી છે.તેને ઉતારવામાં મિલ્કત ધારક ઉણા ઉતર્યા છે અને મિલ્કત ધારકોને નોટિસ આપી સંતોષ માનતા હોય છે આવી જ એક મક્તમપુર નજીકની ગાયત્રી ફ્લેટના મકાનમાં રહેતા રહીશની ધાબા સાથે ગેલેરીની મોટી દીવાલ ધસી પડતા વરસાદના કારણે બાળકો રમતા ન હોવાના કારણે મોટી હોનારત ટળી હતી જેથી તંત્રએ હવે નક્કર કાર્યવાહી કરવી જરૂરી છે.
ભરૂચના મક્તમપુર પાટિયા નજીક ગાયત્રી ફ્લેટ સોસાયટી આવેલી છે અને આ ગાયત્રી ફ્લેટની ધણી ઈમારતો અત્યંત જર્જરિત બની ગઈ છે.સોસાયટીના પ્રમુખ અને પાલિકા દ્વારા વારંવાર ઉતરી લેવા અથવા તો રીનીવેશન કરવા માટે નોટિસ આપવા છતાં જર્જરિત મિલ્કત ધારક પોતાના જર્જરિત મકાનો ભાડુવાતો ને આપી આવક મેળવી રહ્યા છે.પરંતુ જર્જરિત ઈમારત ની મરામત કરાવવામાં નિષ્ફળ રહ્યા છે.જેના પાપે જર્જરિત ઈમારતની મોટી ગેલેરીઓ ધસી પડી રહી છે.
છેલ્લા ચાર વર્ષથી સોસાયટી અને પાલિકા મિલ્કત ધારકોને નોટિસ આપવા છતાં કોઈ કાર્યવાહી ન કરતા આખરે ગાયત્રી ફ્લેટની એક દીવાલ ગેલેરી અને ધાવા સાથે ધસી પડતા વાહનોને નુકશાન થયું હતું અને મોટી હોનારત ટળી હતી.પરંતુ તંત્ર દ્વારા જર્જરિત ઈમારતમાં રહેતા લોકોને બહાર કાઢવામાં આવે જેથી મોટી હોનારત થયા નહિ તેવી આશા સોસાયટીના રહીશો વ્યકત કરી રહ્યા છે.
અત્રે ઉલ્લેખનીય બાબત એ છેકે ભરૂચ જીલ્લાની સંખ્યા બંધ ઈમારતો જર્જરિત આવેલી છે જેમાં ભરૂચના ગુજરાત હાઉસિંગ બોર્ડના ૨૫ બ્લોકના ૫૦૦ મકાન અત્યંત જર્જરિત છે.તદ્દઉપરાંત આ મકાનો ના વીજ અને પાણી કનેક્શન કાપવા જતા અધિકારીઓને પાછા કાઢવામાં આવ્યા હતા.
ત્યારે હવે તંત્રએ જ પોલીસ બંદોબસ્ત સાથે જર્જરિત ઈમારતો મુદ્દે કાર્યવાહી કરવી પડશે નહીંતર જર્જરિત ઈમારત ધસી પાડવાના કારણે મોટી હોનારત થાય તો તેનો જવાબદાર કોણ?જોકે ગાયત્રી ફ્લેટમાં મોટી હોનારત થવાનું ટળ્યું છે અને હજુ પણ જર્જરિત ગાયત્રીના ફ્લેટના મકાનોમાં ભાડુવાતો જોખમી રીતે વસવાટ કરી રહ્યા છે.