ભરૂચના મુલદ ટોલ પ્લાઝા પરથી કાર માંથી રોકડા રૂ.૨૫ લાખ સાથે ૨ ઝડપાયા
કરજણ બેઠકના કોંગ્રેસના ઉમેદવારને પહોંચાડવાના હોવાંનું ખૂલ્યું. : ભરૂચ પોલીસે ચૂંટણી પંચ,આવકવેરા વિભાગ અને વડોદરા કલેકટરને જાણ કરાઈ.
(વિરલ રાણા દ્વારા) ભરૂચ, ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીનો જંગ ચરમસીમાએ છે.ત્યારે ચૂંટણી માટે બેનામી નાણાં ની થતી હેરફેરનો ભરૂચ પોલીસે પર્દાફાશ કરી ૨ શખ્સોને રોકડ રૂપિયા ૨૫ લાખ સાથે ઝડપી પાડ્યા છે.આ નાણાં કોંગ્રેસના કરજણ બેઠકના ઉમેદવાર કિરીટસિંહ જાડેજાને આપવાના હોવાની આરોપીએ કબૂલાત કરતા ચકચાર મચી જવા પામી છે.
વડોદરા જીલ્લાની કરજણ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં આક્ષેપ પ્રતિઆક્ષેપ થી રાજકીય ગરમી વર્તાઈ રહી છે.ત્યારે કોંગ્રેસના ઉમેદવારને મોકલવાના રૂપિયા ૨૫ લાખ કારમાં સુરત થી લઈને ૨ શખ્સો ભરૂચ એલ.સી.બી પોલીસ ના હાથે ઝડપાઈ જતા ભારે ચકચાર મચી ગઈ છે.
ભરૂચ જીલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમાની સુચના અન્વયે એલ.સી.બી તથા પોલીસ ઈન્સ્પેકટર સ્ટાફ સાથે નેશનલ હાઈવે નંબર ૪૮ પર આવેલ મુલદ ટોલ પ્લાઝા પર વાહન ચેકીંગમાં હતા.
તે દરમ્યાન એક લાલ કલરની મારૂતિ બ્રેઝા કાર નંબર જીજે ૦૬ એલઈ ૩૪૫૮ સુરત તરફ થી આવતા તે શંકાસ્પદ જણાતા કાર રોકી કારમાં બેઠેલ ૨ વ્યકિતઓની પુછપરછ કરવા સાથે કારની તપાસ કરતા કાર માંથી રોકડા રૂપીયા ૨૫ લાખ ભરેલ થેલી મળી આવી હતી.
જે રોકડા રૂપીયા બાબતે શંકા જણાતા બંને વ્યકિતઓની સઘન અને ઘનિષ્ઠ પુછપરછ કરતા આ રોકડા રૂપીયા સુરતના જયંતિભાઈ સોહાગીયા પાસે થી મેળવ્યા હોવાનું કબુલ્યું હતું અને તે કરજણના કોગ્રેસના ઉમેદવાર કિરીટસિંહ જાડેજાને પહોંચાડવાના હોવાનું પણ પુછપરછ દરમ્યાન સામે આવ્યું હતું.
નાણા બેનામી હોવાની શંકા જતા કાયદેસર કાર્યવાહી કરવામાં આવી હતી.સમગ્ર બાબતે આવક વેરા વિભાગ તથા મુખ્ય ચૂંટણી અધિકારી ગુજરાત તથા જીલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર વડોદરાને જાણ કરવા તજવીજ હાથ ધરવામાં આવી હતી. નાણા સુરત ખાતેથી મેળવેલ હોય તે ઉપરાંત આ બાબતે સુરત શહેર પોલીસ કંટ્રોલરૂમને પણ જાણ કરવામાં આવેલ છે.આ અંગે ની આગળની વધુ તપાસ ભરૂચ એસ.ઓ.જી સોંપવામાં આવેલ છે.
પોલીસે કબ્જે કરેલ મુદામાલમાં જુદા જુદા દરની રૂપિયા ૨૫ લાખ ની ચલણી નોટો,૩ મોબાઈલ કિંમત રૂપિયા ૧૨ હજાર તેમજ ૫ લાખ રૂપિયા ની મારૂતિ બેન્ઝા કાર નો સમાવેશ થાય છે.
પોલીસના હાથે ઝડપાયેલા આરોપીઓ
(૧) દિપકસિંહ દશરથસિંહ ચૌહાણ રહેવાસી,ધાનેરા તા.કરજણ જી.વડોદરા
(૨) રવિભાઈ લક્ષ્મણભાઈ મોકરીયા રહેવાસી,૫૦૧ અવધ સોસાયટી,વાસણા રોડ,વડોદરા.