Western Times News

Gujarati News

ભરૂચના સેવાશ્રમ રોડ ઉપર ત્રીજા માળે કલરના ગોડાઉનમાં મોડી રાત્રીએ આગ ફાટી.

રાત્રીના અંધાકરમાં ફાયર ફાયટરોએ જીવના જોખમે આગ ઉપર કાબૂ મેળવ્યો.

ભરૂચ નગરપાલિકા પાસે પુરતા સાધનોના અભાવે જીવના જોખમે આગ બુઝાવી.

ફાયર સેફ્ટીના સાધનો વિના અત્યંત જવલનશીલ પદાર્થ હોવાના કારણે નોટીસ ફટકારાઈ છે : ફાયર ઓફિસર ચિરાગદાન ગઢવી

(વિરલ રાણા) ભરૂચ,ભરૂચ શહેરમાં સતત રાહદારીઓ અને વાહનોથી ધમધમતા વિસ્તાર એવા સેવાશ્રમ રોડ ઉપરથી ગતરોજ મોડી રાત્રીના સમયે લગ્નનો વરઘોડો નીકળ્યો હતો.જેમાં રહેલા ફટાકડાના તણખાથી નજીકમાં ત્રીજા માળે આવેલ કલરના ગોડાઉનમાં આગ ફાટી નીકળતા કોમ્પલેક્ષમાં રહેલા લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા અને આગ ઉપર કાબુ મેળવવા માટે ભરૂચ નગરપાલિકાના ફાયર ફાયટરોને જાણ કરતા તેઓએ પોતાના જીવનું જોખમ ઉભુ કરીને પણ આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો કર્યા હતા.

જે  ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો.ભરૂચ શહેરના સેવાશ્રમ રોડ ઉપર આવેલ સુર્યા શોપિંગ સેન્ટર પાસેથી લગ્નનો વરઘોડો પસાર થઈ રહ્યો હતો.તે દરમ્યાન લગ્નના વરઘોડામાં આતશબાજી અને ફટાકડા ફોડવામાં આવી રહ્યા હતા.આ દરમ્યાન ફટાકડાનો એક તણખો કોમ્પ્લેક્ષના ત્રીજા માળે કલરના ગોડાઉનમાં પડતાં જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા કોમ્પ્લેક્ષમાં રહેલા લોકોએ કલરના ગોડાઉનમાં નીકળતા ધુમાડા જોઈ સાવચેતીના ભાગરૂપે શોપિંગની બહાર નીકળી ગયા હતા

અને તાત્કાલિક ભરૂચ નગરપાલિકાના ફાયર ફાયટરોને જાણ કરવામાં આવતા ફાયર ફાઈટર ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પરંતુ જે માળ ઉપર આગ લાગી હતી તેમાં જવાનો કોઈ રસ્તો ન હોવાના કારણે જીવના જોખમે પણ ભરૂચ નગરપાલિકાના ફાયર ફાયટરો પ્રવેશ્યા હતા અને દરવાજો તોડવાની પણ ફરજ પડી હતી.આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ગોડાઉનની બારીના કાચ પણ તોડવા પડયા હતા.ગોડાઉનમાં અત્યંત જ્વલનશીલ પદાર્થ થીનર (ટર્પેન્ટાઈન) અને કલર જેવા જ્વલનશીલ પદાર્થ હોવા છતાં

ફાયર ફાયટરોએ નગરપાલિકા પાસે પૂરતા પ્રમાણમાં ફાયરનાં સાધનો ન હોવા છતાં પણ પોતાના જીવના જોખમે આગ લાગેલા માળ ઉપર પહોંચી આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા અને ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો.અત્રે ઉલ્લેખનીય બાબત છે કે અગાઉ કોરોનાકાળમાં ભરૂચની પટેલ વેલ્ફર હોસ્પીટલમાં થયેલ અગ્નિકાંડ બાદ ભરૂચ નગરપાલિકા દ્વારા ફ્લેટ,હોસ્પીટલ,હોટલો,શાળા,ટ્યુશન સંચાલકો સહિત મોટી ઈમારતોમાં ફાયર એનઓસી માટે નોટીસ ફટકારી માત્ર સંતોષ માન્યો હતો.

ત્યારે સેવાશ્રમ રોડ ઉપર ત્રીજા માળે આવેલ કલરના ગોડાઉનમાં અત્યંત જવલનસીલ પદાર્થ હોવાના કારણે આગની ઘટના થી આજુબાજુમાં રહેતા લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા અને ભરૂચ નગરપાલિકાના ફાયટ ફાયટરોએ પોતાના જીવના જોખમે ત્રીજા માળે પહોંચી પાણીનો મારો ચલાવી એક સાઈડનો દરવાજો તોડી બહાર નીકળ્યા હતા.ત્યારે ત્રીજા માળે ગોડાઉન માટે કોઈપણ જાતની ફાયર એનઓસી ન હોય અને ફાયરના સાધનો પણ ગોડાઉનમાં ઉપલબ્ધ્ધ ન હોવાના કારણે ભરૂચ નગરપાલિકાના ફાયર ઓફિસર ચિરાગદાન ગઢવીએ નોટીસ ફટકારવાની તજવીજ હાથધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.