ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે જીલ્લાકક્ષાના સ્વતંત્ર પર્વની ઉજવણી

કોરોના વોરિયર્સ તથા વિશિષ્ટ સિધ્ધિઓ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓ,કર્મચારીઓને શિલ્ડ તથા પ્રમાણપત્ર આપીને સન્માનિત કરાયા.
(વિરલ રાણા દ્વારા) ભરૂચ, ભરૂચ હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે જિલ્લાકક્ષાના ૭૫ માં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે શ્રમ અને રોજગાર,ડિઝાસ્ટર મેનેજમેન્ટ, યાત્રાધામ વિકાસ અને દેવસ્થાન વિભાગના મંત્રીશ્રી દિલીપકુમાર ઠાકોરે રાષ્ટ્રધ્વજને સલામી આપ્યા બાદ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી અવસરે ભારતની આઝાદી માટે અવિરત સંઘર્ષ કરી નામી-અનામી અનેક વિરલાઓએ પોતાની જિંદગી આઝાદીની લડતમાં હોમીને આપણને મહામૂલી આઝાદી અપાવી છે.
ભારતના તિરંગાની આન-બાન-શાન માટે વંદેમાતરમનો મંત્ર ગુંજતા-ગુંજવતા જીવન હોમી દીધા છે. એમના બલિદાનને આપણે એળે જવા દેવાનું નથી તેમ જણાવી સ્વાતંત્ર્યવીરોને આદરપૂર્વક શ્રધ્ધાંજલિ અર્પી ભરૂચ જિલ્લાના નાગરિકોને સ્વાતંત્ર્ય પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી.
સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલના નેતૃત્વ હેઠળ છેલ્લા પાંચ વર્ષથી ચાલી આવતી અવિરત જનસેવાના મહાયજ્ઞનું ગુજરાતે નવ દિવસ સુધી અદભૂત અનુષ્ઠાન કર્યું,
જેમ નવરાત્રિના નવ દિવસોમાં શક્તિની આરાધના થાય એમ આ નવ દિવસોમાં વિકાસની આરાધના કરી છે.જનસેવાના આ મહાયજ્ઞમાં ૧૬ હજાર ઉપરાંત જનહિતલક્ષી કાર્યક્રમોમાં ગુજરતના ૪૮ લાખ ૫૬ હજાર ઉપરાંત નાગરિકોને વિવિધ યોજના અન્વયે રૂ.૧૩ હજાર કરોડના વિકાસ કાર્યોનો લાભ આપી શક્યા છે તેમ જણાવ્યું હતું.
કોરોના મહામારીના કારણે સમગ્ર વિશ્વ ત્રસ્ત બનતાં વડાપ્રધાનશ્રીએ કોરોના મહામારીના સમયે લોકડાઉનનું કદમ ઉઠાવીને દેશવાસીઓને કોરોના સંક્રમણથી બચાવવાનો રાજધર્મ નિભાવ્યો હતો જેને દુનિયાના દેશો અને વિશ્વ આરોગ્ય સંસ્થાએ પણ બિરદાવ્યો હતો. રાજ્યની સંવેદનશીલ સરકારે કોરોના સંક્રમણ સામે આગવી વ્યવસ્થા ગોઠવી અને આયોજનબધ્ધ પગલાઓ ભરી હોવાની
માહિતી આપતા મંત્રીશ્રીએ કોરોનાની સંભવિત ત્રીજી લહેર માટે ઓક્સિજન ટેંક, હોસ્પિટલમાં બેડ, મેડીસીનની યોગ્ય વ્યવસ્થાની આગોતરી તૈયારી કરી હોવાનું પણ જણાવ્યું હતું. મંત્રીશ્રીએ ગુજરાત વેક્સિનેસન પ્રોગ્રામમાં અગ્રેસર હોવાનું પણ કહયું હતું.કોરોના કાળમાં માતા-પિતા ગુમાવનાર બાળકોના માથે રાજ્ય સરકારે સંવેદનશીલતાપૂર્વક હાથ મુકીને મુખ્યમંત્રી બાળ સેવા યોજનાનો સુદ્રઢ અમલ કરી આ યોજના અન્વયે આવા પ્રત્યેક બાળકને પ્રતિ માસ રૂ.૪૦૦૦ આપવામાં આવે છે.
તાજેતરમાં જ સંવેદના દિવસ નિમિત્તે મુખ્યમંત્રીશ્રી સહિત રાજ્યના મંત્રી મંડળના તમામ સભ્યોએ આવા માસુમ બાળકો સાથે ભોજન લઈને એમને સાંત્વના આપી હતી. મંત્રીએ લોકડાઉન બાદ લોકોના ધંધા-રોજગાર પુન: થાળે પાડવા રાજ્ય સરકાર દ્વારા રૂ.૧૪૦૦૦ કરોડનું ઐતિહાસિક આત્મનિર્ભર ગુજરાત સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું હોવાની પણ માહિતી આપી હતી.
ભાડભૂત બેરેજ યોજના થકી ભરૂચને પ્રાપ્ત થતાં લાભોની માહિતી આપી હતી. વર્ષ-૨૦૨૨ સુધીમાં ગુજરાતના પ્રત્યેક ઘરને નલ સે જલ આપવા માટે કટિબધ્ધ હોવાનું પણ ઉમેર્યું હતું. ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા નદીના કાંઠે આવેલ ભરૂચ જિલ્લાએ પણ સમગ્રતયા વિકાસના તમામ આયામોમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે.
તેમણે ભરૂચ જિલ્લાના વિવિધ વિભાગઓ દ્વારા થયેલ કામગીરીની પણ ઝાંખી આપી હતી.અંતમાં સ્વતંત્રતા એ શબ્દ માત્ર નથી, એ લાગણી છે, હદયની ઉર્મિ છે અને આત્માની શક્તિ છે તેમ જણાવતાં મંત્રીએ સ્વાતંત્ર્યપર્વના આ પાવન અવસરે આપણે સૌ સાથે મળીને આકાશને આંબતી વિકાસની ઉંચાઈઓને સર કરવા માટે કટિબધ્ધ બનીએ. આવનારા સમયમાં ભરૂચ જિલ્લો રાજ્ય તથા રાષ્ટ્ર સતત પ્રગતિના પંથે અગ્રેસર રહે, સૌનું સ્વાસ્થ્ય નિરામય રહે તેવી શુભકામનાઓ પાઠવી હતી.
આ પ્રસંગે કોરોના વોરિયર્સ તથા વિશિષ્ટ સિધ્ધિઓ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓનું, આરોગ્ય, ૧૦૮ ટીમ, રમતગમત, શિક્ષણ અને પોલીસકર્મીઓને મંત્રીશ્રી અને અન્ય મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર અને શિલ્ડ આપી સન્માનિત કરાયા હતા. આ વેળાએ મંત્રીશ્રી દ્વારા પોલીસ પરેડનું નિરીક્ષણ કર્યું હતું. વતન પ્રેમ યોજના અંતર્ગત વિડિયો સૌએ નિહાળ્યો હતો.
શિક્ષણ વિભાગના ઉડીએ જ્ઞાનની પાંખે ઓડિયો સાથે અભિયાનનો શુભારંભ થયો હતો અને મહાનુભાવોના હસ્તે ૫૦ પુસ્તકોનો સેટ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને અર્પણ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત મંત્રીશ્રીના હસ્તે ભરૂચ જિલ્લાના વિકાસ માટે રૂ.૨૫ લાખનો ચેક જિલ્લા કલેક્ટરને અર્પણ કરાયો હતો.
કાર્યક્રમના અંતે રાષ્ટ્રગાન બાદ હોસ્ટેલ ગ્રાઉન્ડના પટાંગણમાં વૃક્ષારોપણ મહાનુભાવોના હસ્તેકરવામાં આવ્યું હતું.
આઝાદીના પર્વની ઉજવણી નિમિત્તે જિલ્લા પંચાયતના પ્રમુખ અલ્પાબેન પટેલ,ભરૂચના ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ, વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણા, જિલ્લા કલેક્ટર ડૉ.એમ.ડી.મોડિયા, જિલ્લા વિકાસ અધિકારી યોગેશભાઈ ચૌધરી, પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમા, નિવાસી અધિક કલેક્ટર જે.ડી.પટેલ,નગરપાલિકાના પ્રમુખ અમિતભાઈ ચાવડા,જિલ્લા અગ્રણી મારૂતિસિંહ અટોદરિયા, આગેવાન પદાધિકારીઓ, ઉચ્ચ અધિકારીઓ તથા શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.