Western Times News

Gujarati News

ભરૂચની કે જે ચોક્સી પબ્લિક લાયબ્રેરીમાં વિશ્વ પુસ્તક દિવસના ભાગરૂપે ભારતવર્ષની આઝાદીમાં પુસ્તકોનું યોગદાન યાદ કરાયું.

કોઈ એક દિવસ નહીં પણ દરેક દિવસ પુસ્તક દિવસ છે : ખરેખર જોવા જઈએ તો પુસ્તકો આપણાં અસ્તિત્વની ગાડીને સર્જનાત્મકતા અને પ્રગતિ તરફ લઈ જનાર એન્જિનનું કામ કરે છે : ભારતવર્ષની આઝાદીમાં પુસ્તકોએ પણ મહત્વનો ભાગ ભજવ્યો છે એ ભૂલવું ન જોઈએ.

(વિરલ રાણા) ભરૂચ,
ભરૂચની કે જે ચોક્સી પબ્લિક લાયબ્રેરીમાં વિશ્વ પુસ્તક દિવસ અને આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે નર્મદા કેલેરોક્ષ પબ્લિક સ્કૂલના કુલ ૬૦ જેટલા વિધાર્થીઓએ ભાગ લીધો હતો અને વિશ્વ પુસ્તક દિવસના માનમાં પુસ્તકોમાં મૂકવાના બૂકમાર્ક બનાવી ઉજવ્યો. ગ્રંથપાલે જણાવ્યુ હતું કે આપણું સમસ્ત ભારત વર્ષ આઝાદીનું અમૃત મહોત્સવ ઉજવી રહ્યું છે.પણ આ આઝાદી મળવામાં પુસ્તકોનું પણ એટલું જ મહત્વનુ યોગદાન રહ્યું છે.જેમના સ્મર્ણાર્થે આ લાયબ્રેરી છે એ સ્વ.કાંતિલાલ જેકીશનદાસ ચોક્સી પણ એક સ્વાતંત્ર્ય સેનાની હતા અને તેઓને વાંચનનો શોખ હતો અને તેમાથી જ તેઓને સ્વતંત્રતા આંદોલનમાં જોડાવાની પ્રેરણા મળી હતી.વર્ષ ૧૯૭૫ માં તેઓને તામ્રપત્ર પણ એનાયત કરવામાં આવ્યું હતું. અને એ જ સ્મરણાર્થે તેમના પુત્ર ગૌતમભાઈ ચોક્સીએ વિશાળ પુસ્તકાલય ભરુચને ભેટ ધર્યું છે .

આપણે અંગ્રેજોની ૨૦૦ વર્ષની ગુલામીમાથી ભારતને આઝાદી અપવાવવામાં જે વીર સપૂતોએ યોગદાન આપ્યું છે એમાં પુસ્તકોની પણ ભૂમિકા રહી છે. જનજનમાં આઝાદીની ચેતના જગાડવામાં વિરપુરુષોના વિચારોને શબ્દદેહનું રૂપ આપી પુસ્તકની રચના કરી એ પુસ્તકો, અખબારો,નાના નાના ચોપાનીયાંઓએ ચિનગારીનું કામ કર્યું છે જેનાથી દેશની જનતામાં માતૃભૂમિની આઝાદી માટે ચેતના પ્રગટે અને તેઓએ એમ કર્યું પણ ખરું.આઝાદી માટે યોગદાન આપનારા આપણાં  એ વીર સપૂતોના વિચારો થકી પ્રકાશિત થયેયા પુસ્તકો તથા આપણાં પ્રાચીન ગ્રંથોનો મહત્વનો ફાળો રહ્યો છે.

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ પોતાની મૂંઝવણના ઉકેલ ભગવદ ગીતામાથી મેળવી એને અમલમાં મૂક્યા છે એ વાતનું ઈતિહાસ સાક્ષી છે.મહાન લેખક વિલિયમ શેક્સપિયરના જમણ જયંતી (જન્મ દિવસ)  અને પૂણ્ય તિથી (મરણ દિવસ) નિમિતે સમસ્ત વિશ્વમાં ઉજવાય છે.ખાસ એ પણ જણાવવાનું કે આ જ દિવસને વિશ્વ કોપીરાઈટ દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે.કોપીરાઈટનું મહત્વ વ્યક્તિએ કરેલ સર્જનને પ્રમાણિત કરે છે જેથી કોઈ એની નકલ કરે કે એ સર્જનની માહિતી અને પ્રકાશિત કરવાના અધિકાર મૂળ સર્જકની કે પ્રકાશકની આજ્ઞા વિના પ્રકાશિત કરે તો ખબર પડે કે મૂળ સર્જન આ પહેલા થઈ ગયું છે. આ બંધારણને કાયદાની ભાષામાં કોપી રાઇટ કહેવાય.

પુસ્તકો વ્યક્તિની સર્જનાત્મકતા અને વ્યક્તિત્વને ઉજાગર કરે છે.
સર્જનમાં રુચિ ધરાવનારની એ દરેક વ્યક્તિ પોતાના પૂરતો તો મહાન જ છે. અને એ સર્જનશકિતમાં જોમ પૂરે છે સારા વિચારો અને એ સારા વિચારોની શોધમાં તમને મદદે આવે છે પુસ્તકો.૨૩ એપ્રિલ એ વિશ્વ પુસ્તક દિવસ તરીકે સમસ્ત વિશ્વમાં ઉજાવવામાં આવે છે. આપની વાંચન પ્રત્યની રુચિ અરુચિમાં ધકેલાય એ પહેલા ચેતી જવાની જરૂર છે.જાગ્યા ત્યથી સવાર એમ સમજીને રોજ થોડું સારું વાંચન કરવાનું રાખવું ભૂલવું જોઈએ નહીં.રોજ ભોજન આવશ્યકતામાં આવે છે એવું જ વાંચનને પણ આપણી આવશ્યકતાનો ભાગ બનાવી દેવો જોઈએ.

ઉત્સવોની ઉજવણી કરવી એ તો માનવ સમુદાયનો સ્વભાવ છે. ઉજવણી એ વ્યક્તિની અંદર નવી ઉર્જાનો સંચાર કરે છે  વાચન , વચન અને નિયમ અમલમાં મૂકાય તો જ સાર્થક થાય.અહી આપણે મોબાઈલ કે ટીવીની આલોચના નથી કરવાની કેમ કે એ આપણી હવે પછીનાં જીવનની આદત બની ગઈ છે પણ જેમ રોજના કામના કલાક નક્કી હોય, અઠવાડિક રજા નક્કી હોય એમ એ વીજાણુ યંત્રોના ઉપયોગમાં પણ વેકેશન અમલમાં મૂકી શકાય. અને આ બધુ જ આપણી મરજી પર તો નિર્ભર છે. કોઈ બહાના નહીં ચાલે કેમ કે બધા જ આ બાબતે બહાના કાઢવામાં રીઢા થઈ ગયા છે.

શુભાષિતોમાં જણાવ્યુ છે કે જ્ઞાન  એ આકાશ છે અને પુસ્તકો એ તેમાં શોભી  રહેલા ચળકતા તારાઑ  છે તો જ્ઞાન એ મહાસાગર છે ને પુસ્તકો તે મહાસગારમાં લાભ લઈ શકાય તેવાં વહાણ છે. જ્ઞાન એ સૂર્ય છે અને પુસ્તકો એે આપણા ધરમાં આવી શકે એવો  તેનો પ્રકાશ છે. તમે જોયું હશે કે હવા ઉજાશ વગરના ઘરને અંધારી કોટડી તરીકે ઓળખવામાં આવે છે.આપણાં વેદ-પુરાણોથી સંચિત ગ્રંથો એક જ્ઞાન પીઠિકા છે. જેમાં ફક્ત શાસ્ત્રો જ નહીં પણ મનુષ્ય જાતિના સમસ્ત જીવનને ઉપયોગી થઈ પડે એવું અણમોલ આલેખન હોય છે. આ જ્ઞાન પીઠિકાનું સ્વરૂપ જોવું હોય તો તમે કોઈ પુસ્તકાલયમાં પહોંચી જાવ.પુસ્તક કે કોઈ પણ લેખનું વાંચન પણ એક કસરત જ છે. પુસ્તક વાંચન દરમિયાયન ક્યારેક ક્યારેક મગજને કસવું પડે છે ત્યારે તેનો ખરો અર્થ સમજાય છે અને ત્યારે વાંચનનો ખરો આનંદ મળતો હોય છે.

તમે કોઈ અજાણી કે ઓળખીતી વ્યક્તિને મળો છો એમ પુસ્તકને પણ મળો. ઘણી વાર વાચેલું પુસ્તક પણ ફરી વાંચવાનું ગમે છે. કેટલાકને તો વારંવાર વાંચવું ગમે છે. ઘણાં વાચકો આવીને કહે છે “ચકોમકો , મિયાફુસ્કી કે બકોર પટેલની ચોપડી ફરી વાંચવી છે. બાળપણમાં બહુ વાચેલી. આજે ફરી બાળપણની યાદ તાજી કરવી છે.”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.