ભરૂચની જંબુસર બાયપાસ ચોકડી નજીક એક વ્યક્તિ પર અંગત અદાવતે ફાયરિંગ

એક વ્યક્તિને ગોળી વાગતા સારવાર અર્થે ખસેડાયો : પોલીસ ઘટના સ્થળે પહોંચી ફાયરિંગ કરનાર ઈસમને ઝડપી પાડવાના ચક્રો ગતિમના કર્યા.
(વિરલ રાણા દ્વારા) ભરૂચ, ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલ જંબુસર બાયપાસ ચોકડી નજીક ઓવરબ્રિજ પાસે અંગત અદાવતે ફાયરિંગ થતા એક વ્યક્તિને ગંભીર ઈજાના પગલે સારવાર માટે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.ફાયરિંગ કરનાર વ્યક્તિ ઘટના સ્થળે થી ભાગી જવામાં સફળ થયો હતો.ઘટના ની જાણ પોલીસને થતા પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવી વધુ તપાસ હાથધરી છે.
બનાવની મળતી માહિતી અનુસાર ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલ જંબુસર બાયપાસ ચોકડી નજીકના ઓવરબ્રીજ નજીક અંગત અદાવતે બે વ્યક્તિઓ વચ્ચે ઝપાઝપી થઈ હતી.જેમાં ઈદ્રીશ બમ્બયા પાસે રહેલી રિવોલ્વર માંથી ફાયરિંગ કરતા સઈદ ભુરાને કમરના ભાગે વાગી જતા તેને લોહી લુહાણ હાલતમાં સારવાર માટે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.જો કે બનાવની જાણ થતા જ ઘટના સ્થળે બી ડિવિઝન પોલીસ મથકના પીઆઈ કોઠિયા તથા ડીવાયએસપી ડી.પી.વાઘેલા,એલ.સી.બી,એસ.ઓ.જી સહિત નો પોલીસ કાફલો ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો.
સ્થળ ઉપર દોડી આવેલી પોલીસે ઈજાગ્રસ્ત ની ફરિયાદ લેતા તેમાં પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું હતું કે ગઈકાલે પેટ્રોલ પુરાવા બાબતે બંને વચ્ચે ઝઘડો થયો હતો.જે અંગેની રીસ રાખી આજે ફોન કરી ઓવરબ્રિજ પાસે બોલાવી ઈદ્રીશ બમ્બયાએ સઈદ ભૂરા સાથે ઝઘડો કરી ઝપાઝપી કર્યા બાદ તેની ઉપર ફાયરિંગ કર્યું હોવાની કેફિયત ફરિયાદીએ પોલીસ સમક્ષ રજૂ કરતાં પોલીસે ફાયરિંગ કરનાર વિરુદ્ધ ગુનો દાખલ કરી તેને ઝડપી પાડવાની કવાયત હાથધરી છે.