ભરૂચની નર્મદા નદીમાં જળ સપાટીમાં વધારો થતા ભયજનક સપાટી વટાવી

(પ્રતિનિધિ) ભરૂચ, સરદાર સરોવર માંથી સાડા છ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતા ભરૂચ ખાતે નર્મદા નદી પુનઃ એકવાર બે કાંઠે થવા સાથે ૨૪ ફૂટ ની ભયજનક સપાટી વટાવતા તંત્ર દ્વારા સતર્ક થઈ સ્થળાંતર સહીત ની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.તો નર્મદા નદી બે કાંઠે થતા નયનરમ્ય દ્રશ્યો સર્જાવા પામ્યા છે.
આ ચોમાસા માં ચોથી વખત પુનઃ નર્મદા નદી એ ભરૂચ ના ગોલ્ડન બ્રિજ ખાતે ૨૪ ફૂટ ની ભયજનક સપાટી વટાવતા જીલ્લા વહીવટી તંત્ર એલર્ટ થઈ જવા સાથે નીચાણવાળા વિસ્તાર ના લોકો ને સતર્ક રહેવા અને અધિકારીઓ ને હેડક્વાટર્સ ન છોડવા સૂચના આપવામાં આવી છે.તેમજ સ્થિતિ પર ચાંપતી નજર રાખવા સાથે બચાવ,રાહત અને સ્થળાંતર સહીત ની કામગીરી માટે સજ્જ થયું છે.જીલ્લા કલેકટરે તે માટે વહીવટી અધિકારીઓ ને તાકીદ કરી છે.
ભરૂચના ગોલ્ડન બ્રિજ પર નર્મદા નદી ૨૪ ફૂટ ની ભયજનક સપાટી વટાવતા ભરૂચ નગર પાલીકા પ્રમુખ સુરભીબેન તમાકુવાલા સહીત ના પદાધિકારીઓ અને અધિકારીઓ એ સ્થિતિ નો ટેગ મેળવવા નીચાણવાળા વિસ્તાર ની મુલાકાતે પહોંચ્યા હતા.જ્યાં નર્મદા તટ માં રહેતા ૭૦ જેટલા ઝુંપડપટ્ટી ના રહીશો ને સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરી તેઓ માટે રહેવા અને જમવાની વ્યવસ્થા કરી ઉચ્ચસ્તરે સંકલન માં રહી કોઈપણ સ્થિતિ માટે સજ્જ હોવાનું પાલીકા પ્રમુખ સુરભીબેન તમાકુવાલા એ જણાવ્યું હતું. ભરૂચ-અંકલેશ્વર ના નીચાણવાળા વિસ્તારો સહિત જીલ્લા ના નર્મદા કાંઠા ના ગામો ને એલર્ટ કરી જીલ્લા વહીવટી તંત્ર સ્થિતિ નું મોનીટરીંગ કરી રહ્યું છે અને જરૂરીયાત મુજબ ની તમામ શક્ય કામગીરી માટે સજ્જ જોવા મળી રહ્યું છે.*