ભરૂચની મંહમદપુરા એપીએમસીમાં ભયંકર આગના કારણે લાખોના નુકસાનીનો અંદાજ

ભરૂચના મંહમદપુરા એપીએમસી ખાતે એક દુકાનમાં કોઈ કારણોસર આગ ભભૂકી ઉઠી હતી.જે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં એક સાથે ૧૫ જેટલી દુકાનોમાં આગ પ્રસરી જતા આગમાં સમગ્ર શાકભાજી અને ફળ ફ્રૂટ બળીને ખાખ થઈ જવા પામ્યું હતું.મહંમદપુરા એપીએમસી બપોર બાદ સદંતર બંધ હોય છે ત્યારે આગ લાગી છે કે લગાડવામાં આવી છે તે પણ એક ચર્ચાનો વિષય બની ગયો છે.વેપારીઓએ પણ આક્ષેપ કર્યા હતા કે દુકાનમાં આગ લગાડવામાં આવી છે તે પણ એક તપાસનો વિષય બની ગયો છે.
જોકે મંહમદપુરા એપીએમસીમાં દુકાનોની અંદર લાગેલી આગના ધુમાડાના ગોટેગોટા વાદળોમાં છવાઈ જતાં લોકોએ વીડિયો બનાવીને પણ સોશ્યલ મીડિયા ઉપર વાઈરલ કર્યા હતા.એપીએમસીમાં આગ લાગી હોવાની જાણ ભરૂચ નગર પાલિકા ફાયર બ્રિગેડને કરવામાં આવતા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી આવી આગ પર પાણીનો મારો ચલાવી કલાકો ની ભારે જહેમત બાદ વરસતા વરસાદ માં આગ ઉપર કાબુ લેવાનો પ્રયાસ કરાયો હતો.પરંતુ આગ એટલી ભયંકર હતી કે આગને કાબુમાં લેતા ચાર કલાકનો સમયગાળો લાગી ગયો હતો અને આગ લાગવાની ઘટનાને પગલે દુકાનદારોએ પણ દોડી આવી આંગમાં રહેલો માલ સામાન બહાર કાઢવાના પ્રયાસ કર્યા હતા.
તો ઘટના ની જાણ થતા ભરૂચ શહેર બી ડિવિઝન નો પોલીસ કાફલો પણ દોડી આવ્યો હતો અને એકત્ર થયેલા ટોળા ને વિખેર્યા હતા. મંહમદપુરા એપીએમસીમાં આગ લાગવાની ઘટના પગલે જીઈબી કંપનીના અધિકારીઓ પણ દોડી આવ્યા હતા અને વીજ કનેકશનો કાપી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો કર્યા હતા.ત્યારે આગ લાગવા પાછળનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી.પરંતુ વેપારીઓએ સમગ્ર આગના બનાવને શંકાસ્પદ ગણાવ્યો હતો અને આગ લગાવવામાં આવી હોવાના પણ ગંભીર આક્ષેપ કર્યા હતા.