ભરૂચની મકતમપુર કૃષિ યુનિવર્સિટીમાં ઓટોમેટિક વેધર સ્ટેશનનો પ્રારંભ
ભરૂચમાં દર ૧૫ મિનિટે જિલ્લાના હવામાનની જાણકારી મળશે
(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચના મક્તમપુર સ્થિત કૃષિ યુનિવર્સિટી ખાતે ભારત મૌસમ વિજ્ઞાન વિભાગ નવી દિલ્લી દ્વારા સંચાલિત ગ્રામીણ કૃષિ મૌસમ સેવા યોજના અંતર્ગત ઓટોમેટીક વેધર સ્ટેશન લગાવવામાં આવ્યું છે.જેથી હવે દર ૧૫ મિનિટે ભરૂચ જીલ્લાના હવામાનના એક્યુરેટ ડેટા મળી શકશે.
મકતમપુર કૃષિ યુનિવર્સીટી ખાતે જીલ્લાના હવામાન ઉપર છેલ્લા ૫૦ વર્ષ કરતા પણ વધુ સમયથી નજર રાખવામાં આવી રહી છે.હવામાન માપવાના મેન્યુઅલ સાધનો અહી કાર્યરત હતા.હવે જીલ્લાનું પ્રથમ ઓટોમેટિક વેધર સ્ટેશન અહીં સ્થપાઈ ચૂક્યું છે.ભરૂચ જીલ્લાના ખેડૂતોને દર મંગળવાર અને શુક્રવારે આગામી ૫ દિવસોમાં હવામાન કેવું રહેશે
તેના આધારિત સલાહ કૃષિ સલાહ બુલેટિન વોટ્સએપના માધ્યમથી ખેડૂતોને પ્રદાન કરવામાં આવશે. હવામાન પૂર્વાનુમાનના આધાર પર ખેડુતને પાક પસંદગી,જાતોની પસંદગી રોપણીનો સમય કાપણીનો સમય,રાસાયણિક ખાતર નાંખવાનો સમય, જંતુનાશક દવાઓ ક્યારે છંટકાવ કરવો તેનો સમય અને તેનું સ્ટોરેજ વગેરે માહિતી મળશે.
કૃષિ સંશોધન કેન્દ્ર ખાતે ઓટોમેટીક વેધર સ્ટેશન લગાડવામાં આવ્યું છે.જે દર ૧૫ મિનિટે અલગ અલગ હવામાન પરિબળોના આંકડા પ્રદાન કરશે.
કોલેજના આચાર્ય ડો.કે.જે પટેલે જણાવ્યું હતું કે ઓટોમેટીક વેધર સ્ટેશનનો ઉપયોગ સંશોધન કાર્યો તેમજ ખેડૂતોને હવામાન આધારિત કૃષિ સલાહ માટે થશે તેમજ ખેડૂતોને તેનાથી લાભ પણ થશે.
ઓટોમેટીક વેધર સ્ટેશનનો ઉપયોગ સંશોધન કાર્યો તેમજ ખેડૂતોને હવામાન આધારિત કૃષિ સલાહ માટે થશે તેમજ ખેડૂતોને તેનાથી લાભ પણ થશે.*