ભરૂચની શ્રીજીપુરી ખાતે ઈકો ફ્રેન્ડલી શ્રીજીની પ્રતિમા
(પ્રતિનિધિ) ભરૂચ, શ્રીજી મહોત્સવ આડે ગણતરીના દિવસો બાકી રહેતા શ્રીજી યુવક મંડળ આયોજનમાં વ્યસ્ત બન્યા છે.ત્યારે ભરૂચના શ્રીજીપૂરી ગણેશ મહોત્સવના આયોજકો દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ રસોડાની વિવિધ ચીજવસ્તુઓ માંથી ઈકો ફ્રેન્ડલી શ્રીજી નું નિર્માણ કરી રહ્યા છે.
જળ પ્રદૂષણ અંગે ન્યાયાલયો ના આદેશ અને તેના પાલન માટે તંત્રની કવાયત વચ્ચે છેલ્લા ૨૯ વર્ષથી ભરૂચના શ્રીજીપૂરી યુવક મંડળ દ્વારા હજુ સુધી એક પણ વર્ષે પીઓપીની શ્રીજી પ્રતિમાનું સ્થાપન ન કરી પાડેલી એક પ્રણાલીને આ વર્ષે પણ જાળવી રાખવામાં આવી છે.તદ્દન ઓછા ખર્ચે અને રોજબરોજની ઉપયોગી ચીજવસ્તુઓ તેમજ વેસ્ટ માંથી બેસ્ટ સાથે ઈકો ફ્રેન્ડલી શ્રીજી પ્રતિમા અહીંના યુવકો સ્વહસ્તે બનાવી રહ્યા છે.જે મુજબ આ વર્ષે અગીયાર ફૂટ ઊંચી અને આઠ ફૂટ પહોળી ફોટો ફ્રેમ માં ઉપસાવેલી શ્રીજી પ્રતિમાઓનું વિવિધ મરી મસાલા અને તેજાના માંથી બનાવવામાં આવી રહી છે.રસોડામાં વપરાતા હળદર,મરચાં,ધાણાજીરું વિગેરે જેવી ચીજવસ્તુઓ થી તૈયાર થઈ રહેલ આ ઈકો ફ્રેન્ડલી શ્રીજી પ્રતિમા દર વર્ષની જેમ શ્રીજી ભક્તોમાં આકર્ષણ જમાવવા સાથે અન્ય ગણેશ મંડળના સભ્યોને પણ આ રીતે પર્યાવરણ જાળવણી અર્થે ઈકો ફ્રેન્ડલી શ્રીજીની પ્રતિમાનું સ્થાપન કરવા માટે પ્રેરણા પૂરી પાડે છે.*