ભરૂચને ભૂગર્ભ ગટર યોજનાની સફાઈ કામદાર સોલાર રોબોટની ભેટ
ભરૂચ શહેરમાં ભૂગર્ભ ગટર માંથી સોલાર રોબોટની મદદથી ગટરમાંનો કચરો સાફ કરાશે : રોબોટ મેનહોલ માંથી ૨૦ ફૂટ અંદર જઈ તેમાં લાગેલા કેમેરાથી ગટરનો કચરો સાફ કરશે.
(વિરલ રાણા દ્વારા) ભરૂચ,
ભરૂચ નગરમાં વર્ષોના વ્હાણા બાદ ભૂગર્ભ ગટર યોજના આગામી સમયમાં સાકાર થવા જઈ રહી છે.અંદર ગ્રાઉન્ડ ડ્રેનેજની સફાઈ માટે પાલિકાને લાખોની કિંમતના સોલાર રોબોટની ભેટ મળી છે.
ભરૂચને ભૂગર્ભ ગટર યોજનાની સફાઈ માટે જી.યુ.વી.એન.એલ ના CSR માંથી સફાઈ કામદાર સોલાર રોબોટની અપાયેલી ભેટનું ભરૂચ નગર પાલિકાના પ્રમુખ અમિત ચાવડા, મુખ્ય અધુકારી દશરથસિંહ ગોહિલ, વોટર વર્ક્સના ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ,વિપક્ષ નેતા સમશાદઅલી સૈયદ અને દંડક હેમેન્દ્ર કોઠીવાલાની અધ્યક્ષતામાં લોકાર્પણ કરાયું હતું.
મશીન હોલ રોબોટ દ્વારા આધુનિક ઉપકરણ તેમજ કેમેરા વડે મશીન હોલ/ડ્રેનેજ ચેમ્બરની ચકાસણી કરી રોબોટ દ્વારા જ સાફ-સફાઈ કરી શકાશે. જે સરકારશ્રીનો ” મેન્યુઅલ સ્કેવેન્જીંગ એક્ટ” ની જોગવાઈઓનું પણ પાલન કરશે.વધુમાં આ મશીન સોલાર ઉર્જા તેમજ વીજળીથી ઓપરેટેડ હોઈ જેનાથી રોબોટ સંચાલિત કરી શકાશે.
આ સોલાર રોબોટ સફાઈ કામદાર મેનહોલ માંથી ૨૦ ફૂટ અંદર જઈ તેમાં લાગેલા કેમેરાથી ભૂગર્ભ ગટરમાં જમા થયેલો કચરો સાફ કરશે.એક સમયે કચરાને બહાર કાઢવાની તેની ક્ષમતા ૫૦૦ કિલો છે.તો યોજાયેલી સામાન્ય સભામાં અંદર ગ્રાઉન્ડ ડ્રેનેજ માટે વેરાના દર પણ નક્કી કરાયા હતા.
જેમાં રહેણાંક માટે મિલકત વેરાના ૨૫ ટક અથવા રૂ.૫૦૦ થી ઓછા નહિ.કોમર્શિયલ માટે મિલકત વેરાના ૫૦ ટકા, શૈક્ષણિક સંસ્થાઓ માટે ૧૫ ટકા અને ધાર્મિક સ્થળો માટે અન્ડર ગ્રાઉન્ડ ડ્રેનેજ ચાર્જ રૂપિયા ૨૫૦ નિયત કરાયો છે.જેને મંજૂરી માટે કમિશ્નરમાં મોકલી અપાશે.