ભરૂચનો ૧૩ વર્ષનો કાન્હા બુચ ક્લાકુંભની શાસ્ત્રીય કંઠય સંગીત સ્પર્ધામાં રાજ્યમાં પ્રથમ સ્થાને
૫ વર્ષની વયે ડ્રમ વગાડવાનો શોખ ધરાવતો : ડૉ. જાનકી મીઠાઈ વાલા પાસે સંગીત શિક્ષા મેળવી રહ્યો છે.
(વિરલ રાણા દ્વારા) ભરૂચ: વડોદરાના જાબુઆ ખાતે યોજાયેલ રાજ્ય કક્ષાના કલાકુંભની “શાસ્ત્રીય કંઠય સંગીત” સ્પર્ધામાં ભરૂચના ૧૩ વર્ષના કાન્હા કલાપી બુચે પ્રથમ ક્રમે વિજેતા થઈ ભરૂચનું નામ રાજ્યકક્ષાએ ગુજતું કર્યું છે.
ગુજરાત રાજ્યના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર હસ્તકની કમિશ્નર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગર પ્રેરિત અને જીલ્લા યુવા વિકાસ અધિકારી વડોદરા સંચાલિત મોબાઈલ ટુ સ્પોર્ટ્સ હેઠળ કલાકુંભનું આયોજન કરવામાં આવ્યું હતું.
રાજ્યકક્ષાના કલાકુંભની શાસ્ત્રીય કંઠય સંગીત ”સ્પર્ધાનું આયોજન વડોદરાના ખાતેની જાંબુઆની આઈડયલ સ્કૂલ ખાતે કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં ભરૂચનો ૧૩ વર્ષનો કાન્હા કલાપી બુચે પણ ભાગ લીધો હતો.કાન્હા ૫ વર્ષની વયથી જ ડૉ.જાનકી મીઠાઈવાલા પાસે સંગીતની શિક્ષા ગ્રહણ કરી રહ્યો હતો.
સ્પર્ધાની જાહેરાત બાદ પહેલો રાઉન્ડ ડિસેમ્બરનાં બીજા અઠવાડિયામાં યોજાયો હતો. જેમાં ઓનલાઈન રેકોર્ડિંગ કરી અને વીડિયો સબમીટ કરાતાં કાન્હાનો જીલ્લાકક્ષાએ પ્રથમ ક્રમાંક આવ્યો હતો.ત્યાર બાદ રાજ્ય કક્ષામાં ૧૦ અંતિમમાં પણ કાન્હાની પસંદગી થઈ હતી.રાજ્યના ૧૦ સ્પર્ધકો માંથી ભરૂચના કાન્હા કલાપી બુચના શિરે “શાસ્ત્રીય કંઠય સંગીત” સમ્રાટનો પ્રથમ ક્રમાંકનો તાજ મુકવામાં આવતા ભરૂચ જીલ્લામાં હર્ષ અને ગૌરવની લાગણી પ્રસરી જવા પામી હતી.
કાન્હા ના પિતા કલાપી બુચ જાણીતા આર્કિટેક છે તો માતા મૈત્રી કલાપી બુચ પણ ગીત સંગીતનો શોખ ધરાવે છે. માતા મૈત્રી કલાપી બુચ જણાવે છે કે કાન્હો પાંચ વર્ષનો હતો ત્યારથી જ તેને સંગીતમાં રુચિ હતી.તે દરમ્યાન તે કર્ણાટક જતા ભારતીય શાસ્ત્રીય સંગીત માં આગળ ધપવાનો નિર્ણય કર્યો.
જેથી અમે પણ તેને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું અને આજે રાજ્યમાં પ્રથમ ક્રમે આવતા ખુશીની લાગણી પ્રસરી જવા પામી છે. આટલી નાની વયે કાન્હાની આ સિદ્ધિ થી તેની સંસ્કારભારતી શાળા અને પરિવારજનોમાં ખુશીની લાગણી પ્રસરી ગઈ છે.