ભરૂચમાંથી પસાર થતી ભૂખી ખાડીમાં નવા નીર આવતા જળબંબાકાર
કેલોદ નજીકનું મુખ્ય મંદિર સહિત ખેતરોમાં પાણી ફરી વળતાં ખેતરો બેટમાં ફેરવાયા
(પ્રતિનિધિ) ભરૂચ, ધોધમાર વરસાદના પગલે ભરૂચ શહેર અને જીલ્લામાં અનેક નદી,નાળા સહીત ખાડીઓ છલકાય ઉઠી છે.ભરૂચના જંબુસર બાયપાસ થી જંબુસર તરફ જતા ૩૦ કિલો મીટરના માર્ગમાં આવેલા ત્રણ નાળાઓમાં ધસમસતા પાણીના પ્રવાહ વચ્ચે કેલોદ નજીકની ભૂખી ખાડીમાં નવા નીરની આવક થતા ગાંડીતુર બનતા કેલોદ મંદિર સહીત આજુબાજુના ખેતરોમાં પાણી ફરી વળતા જળબંબાકારની સ્થિતિ સર્જાતા પુનઃ એકવાર ખેડૂતોને પાયમાલ થવાનો વાળો આવ્યો છે.
એક જ દિવસમાં વરસેલા ધોધમાર વરસાદના કારણે ભરૂચ જીલ્લા અને સમગ્ર તાલુકાઓમાં જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે.જેના પગલે નદી – નાળાઓ પણ ઉભરાઈ ઉઠયા છે.જેના લઈ સમગ્ર વિસ્તારોમાં જળબંબાકારની પરિસ્થિતિ ઉભી થતાં ઢાઢર નદી સહિત ભૂખી ખાડી ગાંડીતુર બનતા જ ધસમસતા પાણીના પ્રવાહ અનેક ગામોમાં અને ખેતરોમાં ફરી વળ્યા છે.
જેના કારણે ઘણા ગામોમાં નદી અને તળાવ જેવા દ્રશ્યો જોવા મળ્યા છે.સાથે કેલોદ નજીકની ભૂખી ખાડી ગાંડીતુર બનતા કેલોદ મંદિર ના પટાંગણમાં પણ પાણી ફરી વળ્યા છે.સાથે બાબરવીર મંદિર સહિત આસપાસના વિસ્તારોમાં પણ ભૂખી ખાડીના પાણી ફરી વળતાં જળબંબાકારની સ્થિતિ સર્જાય ગઈ છે.
ભરૂચ તાલુકા કેલોદ પુલવારી મેલડી માતાજીના મંદિરની બાજુમાં ભૂખી ખાડી ઉપરનો બ્રિજ પણ અત્યંત જોખમી બની ગયો છે અને આ બ્રિજ ઉપરથી સતત ભારે વાહનોની અવરજવર રહેતા બ્રિજની નીચે ભૂખી ખડીના ધસમસતા પાણીના પ્રવાહમાં પિલર નબળો પડે તો ગમે ત્યારે બ્રિજ બેસી જાય તેવો ભય પણ ઊભો થયો છે અને ભૂખી ખાડીના કારણે કેલોદ ગામ સહિત આજુબાજુના ગામોમાં ભૂખી ખાડીના પાણી પહોંચી જતાં ખેડૂતોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.