Western Times News

Gujarati News

ભરૂચમાં આગ વેન્ટિલેટર નહીં લાઈટના સ્પાર્કથી લાગી?

ભરુચ: શુક્રવારે રાતે ભરુચની વેલ્ફેર હોસ્પિટલમાં બનેલી આગની ઘટનાએ ૧૮ લોકોનાં જીવ લીધા હતા. આખરે આટલી મોટી ઘટના ઘટી તેની પાછળનું કારણ શું છે તે એક પ્રશ્ન છે. અત્યારે માનવામાં આવી રહ્યું છે કે વેન્ટિલેટરમાં શોર્ટ સર્કિટ થવાને કારણે આગ લાગી હતી પરંતુ વાયરલ થઈ રહેલા અમુક ઓડિયો અને વીડિયો મેસેજમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે લાઈટરને કારણે એક નાનકડો સ્પાર્ક થવાથી આઈસીયુમાં મુકવામાં આવેલા સેનિટાઈઝરના સ્ટોકમાં આગ લાગી હતી

જેણે પછીથી વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ હતું. આ ઓડિયો મેસેજ બે ઈજાગ્રસ્ત નર્સો જૈમિની અને ચાર્મી ગોહિલની મૃત્યુ પામેલ નર્સ માધવી પઢિયારના ભાઈ-બહેન સાથેની વાતચીતનો માનવામાં આવે છે. માધવી પઢિયારના ભાઈએ પણ એક વીડિયો મેસેજ શેર કર્યો છે જેમાં તેમણે આરોપ મુક્યો છે કે હોસ્પિટલની ઈમેજ બચાવવા માટે ડોક્ટરોએ ચાર્મી ગોહિલને પોતાનું નિવેદન બદલવા માટે દબાણ કર્યું છે.

ટેલિફોન પર થયેલી વાતચીત અનુસાર ચાર્મી ગોહિલ મૃતક નર્સના ભાઈ જય પઢિયાર અને બહેનને જણાવે છે કે, આઈસીયુ વોર્ડમાં સેનિટાઈઝર પર લાઈટર પડવાને કારણે આગ લાગી હતી. તે આગનો તણખો અન્ય એક ટ્રેઈની નર્સ ફરિગા ખાતુનની પીપીઈ કિટ પર પડ્યો હતો. માધવીએ ફરિગાને બચાવવાનો પ્રયાસ કર્યો અને તેની પોતાની પીપીઈ કીટ આગની લપેટમાં આવી ગઈ. બન્ને નર્સો આગ બુઝાવવા માટે બાથરુમ તરફ ભાગી. બાથરુમમાં ઈલેક્ટ્રિક કેબલ આગની લપેટમાં આવ્યો અને પછી આખા વોર્ડમાં આગ ફેલાઈ હતી.

જૈમિનિ અને જય પઢિયાર સાથેની વાતચીતનો અન્ય એક ઓડિયો સામે આવ્યો છે, જેમાં તે જણાવે છે કે તેણે આગ કેવી રીતે લાગી તે નથી જાેયું. પરંતુ ત્યાંથી સલામત નીકળ્યા પછી તેને ચાર્મી ગોહિલે સમગ્ર બાબત જણાવી હતી. ડોક્ટરે ચાર્મીને કહ્યુ હતું કે લાઈટરનો ઉલ્લેખ કરે નહીં, અને લોકોને જણાવે કે વેન્ટિલેટરમાં શોર્ટ સર્કિટ થવાને કારણે આગ લાગી હતી. જાે કે આઈસીયુમાં લાઈટર આવ્યું કઈ રીતે તેની જાણ આ બન્ને નર્સોને નથી.

બોમ્બે પટેલ વેલ્ફેર સોસાયટીના ટ્રસ્ટી ઝુબેર પટેલ જણાવે છે કે, રવિવારના રોજ મેં હોસ્પિટલની મુલાકાત લીધી નહોતી, માટે હું આ વાતથી અજાણ છું. સરકારી એજન્સીઓ તપાસ કરી રહી છે અને અમે તેમને સહકાર આપી રહ્યા છીએ. ભરૂચના એએસપી વિકાસ સુંદા જણાવે છે કે, રવિવારના રોજ ફોરેન્સિક વિભાગના નિષ્ણાંતોએ આખો દિવસ તપાસ કરી હતી અને અમુક સેમ્પલ ભેગા કર્યા હતા. ફોરેન્સિક નિષ્ણાંતો આગના કારણ વિષે શું તારણ કાઢે છે તે અમે જાેઈશું. હજી અમે બે ઈજાગ્રસ્ત નર્સોના નિવેદન નોંધ્યા નથી. માત્ર તેમના જ નહીં, અમે દર્દીઓના પણ નિવેદન નોંધીશું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.