ભરૂચમાં એક પણ સેન્ટર એવું નથી જેને RTOની માન્યતા મળી હોય
ખાનગી ઈન્સ્ટિટ્યૂટમાં ડ્રાઈવિંગ ટેસ્ટ આપી શકવાનો નવો નિયમ ભરૂચમાં નહિ લાગુ પડે
(પ્રતિનિધિ)ભરૂચ, જો તમે કાર, બાઈક કે કોઈ અન્ય વાહન ચલાવતા હોવ તો ડ્રાઈવિંગ લાયસન્સ અંગે આ સમાચાર તમારે ચોક્કસ વાંચવા જોઈએ.કારણ કે ૧ જૂન ૨૦૨૪ થી ડ્રાઈવિંગ લાયસન્સ અંગેનો નવો નિયમ લાગુ થયો છે.સમગ્ર દેશભરમાં લાગુ થયેલ આ નિયમ ભરૂચમાં લાગુ નહીં પડે તેનું એક ચોક્કસ કારણ સામે આવ્યું છે.
સરકાર દ્વારા આજથી ડ્રાઈવિંગ લાઈસન્સ આપવા માટે લેવામાં આવતા ડ્રાઈવિંગ ટેસ્ટ અંગેના નિયમોમાં ફેરફાર કરાયો છે.પહેલા માત્ર આરટીઓ કચેરીમાં જ ડ્રાઈવિંગ ટેસ્ટ લેવામાં આવતા હતા.પરતું હવે ૧ જૂન ૨૦૨૪ થી સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત વિશેષ ખાનગી સંસ્થાઓમાં ડ્રાઈવિંગ લાઈસન્સ ટેસ્ટ પણ આપી શકાશે.તેથી જો તમે લાયસન્સ લેવા માંગતા હો તો તમે આ નવો વિકલ્પ પસંદ કરી શકો છો.
આનાથી લાયસન્સ પ્રાપ્ત ડ્રાઈવર બનવાની મુસાફરી થોડી સરળ બની શકે છે. પરંતુ કમનસીબે ભરૂચમાં એક પણ સેન્ટર એવું નથી જેને આરટીઓ માન્યતા મળી હોય.આવા ખાનગી ઈન્સ્ટીટ્યુટના અભાવે ભરૂચમાં જે રીતે પહેલા આરટીઓ કચેરીમાં ડ્રાઈવિંગ ટેસ્ટ આપવો પડતો હતો એ જ સિસ્ટમ યથાવત રહેશે.
આ અંગે આરટીઓ અધિકારી મિતેશ બાંગલેએ જણાવ્યું હતું કે ભરૂચમાં આરટીઓ કચેરી ખાતે જ ડ્રાઈવિંગ ટેસ્ટ લેવાશે કેમ કે,ભરૂચમાં અન્ય કોઈ પ્રાઈવેટ સેન્ટરને મંજૂરી આપવામાં આવી નથી.