Western Times News

Gujarati News

ભરૂચમાં કરફ્યુ સમય દરમ્યાન હેરાફેરી કરવા ૭૦ જેટલા ઓટોરીક્ષા ચાલકોને જીલ્લા પોલીસે કરફ્યુ પાસ એનાયત કર્યા

૧૦ જેટલા ઓટોરિક્ષા ચાલકો પી.પી.ઈ કીટ પહેરી વિનામૂલ્યે દર્દીઓને હોસ્પીટલ લઈ જવાની સેવા આપશે.

ઓટોરિક્ષા ચાલકોને માસ્ક અને સેનેટાઈઝરનું વિતરણ પણ કરવામાં આવ્યું.

(વિરલ રાણા દ્વારા) ભરૂચ: દુનિયાભરમાં ચાલી રહેલી કોરોના મહામારીને રોકવા દુનિયાભરના નિષ્ણાંતો અથાગ પ્રયત્નો કરી રહ્યા છે. દેશભરમાં વહીવટી તંત્ર,તબીબી આલમ,પોલીસ તંત્ર, કોરોના મહામારી રોકવા માટે રાત દિવસ ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.કોરોનાની ફેલાતી સાંકળ તોડવા લોકડાઉન અને કરફ્યુ જેવા જાહેરનામાની અમલવારીમાં  લોકો પણ સહયોગ આપી રહ્યા છે.ધંધા રોજગાર ઉપર અસર થવા છતાં જાન હૈ તો જહાં હૈ ની નીતિ અપનાવી ઘરમાં વિતાવવા તૈયાર થયા છે.ખાસ કરીને પોલીસ, નગરપાલિકા તંત્ર અને દેશની ચોથી જાગીર એવા પત્રકારો પણ દિવસ રાત પોતાની ફરજ નિભાવી રહ્યા છે.

લોકડાઉન અને કરફ્યુ સમય દરમ્યાન ઓટોરિક્ષા ચાલકોને કોઈ અગવડ ન ઉભી થાય કે પોલીસકર્મીઓ સાથે ઘર્ષણમાં ઓટોરિક્ષા ચાલકોનો સમય ન બગડે તે અર્થે ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા ૭૦ જેટલા ઓટોરિક્ષા ચાલકોને કરફ્યુ મુક્ત પાસ એનાયત કરવામાં આવ્યા છે.

તો ભરૂચ નગરપાલિકા પ્રમુખ અમિત ચાવડા દ્વારા ૧૦ ઓટોરિક્ષા ચાલકોને પી.પી.ઈ કીટ એનાયત કરી હતી. શહેરના દર્દીઓને ઘરે થી નિઃશુલ્ક લાવવા લઈ જવા માટે જય ભારત ઓટોરિક્ષા એસોસિએશન દ્વારા આ ૧૦ ઓટોરિક્ષા ફાળવી છે.જેનો લાભ લેવા આમ પ્રજાને અપીલ કરી છે.પાસ એનાયત સમયે ૭૦ જેટલા ઓટોરિક્ષા ચાલકોને માસ્ક અને સેનેટાઈઝરનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે જય ભારત ઓટોરિક્ષા એસોસિએશનના પ્રમુખ સરફરાઝ પટેલ, ઉપપ્રમુખ આબીદ મીરજા તેમજ ગુજરાત રાજ્ય ઓટોરિક્ષા ફેડરેશનના પ્રમુખ જયંતીભાઈ પ્રજાપતિ, ભરૂચ પત્રકાર સંઘના પ્રમુખ જગદીશ પરમાર તેમજ સામાજિક કાર્યકર સેજલ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.