ભરૂચમાં ખેડૂતો વળતરની માંગણીઓ સાથે કલેકટર કચેરીએ પહોંચ્યા
આમોદ,વાગરા,ભરૂચ ,જંબુસર તાલુકાના ખેડૂતો કલેકટર કચેરીએ અરજી પત્ર આપી કરી રજુઆત : જીલ્લાના ચાર તાલુકામાં રાસાયણિક હુમલાના કારણે ખેતીના પાકના નુકસાનનો મામલે ખેડૂતોનું આંદોલન.
(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ જીલ્લાના ખેડૂતોના માથાના દુઃખાવા સમાન આસપાસના ઉદ્યોગો બન્યા હોય તેવી બૂમો ઉઠવા પામી છે.ચોમાસામાં સારી ખેતીની આશ લગાવી બેઠેલા ખેડૂતોને હવા પ્રદુષણથી વ્યાપક નુકશાન થઈ હોવાના આક્ષેપો જિલ્લાના ખેડૂત સમાજ દ્વારા કરવામાં આવ્યા હતા.
જે બાદ તંત્ર દ્વારા પણ જીપીસીબી સહિતની ટીમોને કામે લગાવી નુકશાનીવાળા ખેતરોમાં સર્વેની કામગીરી સોંપવામાં આવી હતી અને પાકને થયેલ નુક્શાનીના ચોક્કસ કારણો શોધવાની સૂચનાઓ આપવામાં આવી હતી.
ભરૂચ જીલ્લામાં દહેજ પી.સી.પી.આઈ.આર,દહેજ જીઆઈડીસી તેમજ વિલાયત જીઆઈડીસી અને જીલ્લાના અન્ય વિસ્તારોમાં કાર્યરત ઉધોગો ગૃહ જોખમી મેગા કેમિકલ્સનું ઉત્પાદન કરે છે.જેના કારણે આસપાસના વિસ્તારમાં આવેલ ખેતરોમાં હવા પ્રદૂષણથી ખેડૂતોના ઉભા પાકને મોટી માત્રામાં નુકશાની થતા પાક ઉખેડી ફેંકી દેવાની સ્થિતિનું સર્જન થયું છે.
ખેડૂતોએ આવેદનપત્રમાં જણાવ્યું હતું કે જિલ્લા ખેતીવાડી અધિકરી દ્વારા કૃષિ તજજ્ઞો તેમજ વૈજ્ઞાનિકોની નિદાન ટીમનું ગઠન કરી રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યું હતું જેમાં સ્પષ્ટ પણ કહેવામાં આવેલ કે 2-4-D, 2-4-DB જેવા ફીનોકેસી સંયોજનો વાતાવરણમાં ફેલાવવાને કારણે આ પ્રકારની પાક વિકૃતિ જોવા મળેલ છે.
જેના કારણે પાક નિષ્ફળ ગયેલ છે, ત્યારે આજરોજ મોટી સંખ્યામા ખેડૂતો ભેગા થઈ જીલ્લા કલેક્ટર કચેરી ખાતે કલેક્ટરને આવેદનપત્ર પાઠવી હવા પ્રદૂષણથી થયેલ પાક નુકશાનીનું વળતર ચૂકવવામાં આવે તેવી માંગ કરી હતી.