ભરૂચમાં તસ્કરોનો તરખાટ એક જ રાતમાં આઠ દુકાનોના તાળાં તૂટ્યા

(વિરલ રાણા દ્વારા) ભરૂચ, ભરૂચ શહેરમાં તસ્કર ટોળકી સક્રિય થઇ હોય તેમ એક જ રાતમાં શહેરના મુખ્ય માર્ગો ઉપર આવેલી આઠ દુકાનોને નિશાન બનાવી રોકડા રૂપિયા તેમજ ગારમેન્ટ ના કપડા ની તસ્કરી કરી હોવાની ઘટનાઓ સામે આવતા ભરૂચ પોલીસને નાઈટ પેટ્રોલીંગ સામે પણ લોકોમાં સવાલ ઉભા થયા છે.ત્યારે તસ્કરો ખુલ્લા મોઢે ચોરીને અંજામ આપી રહ્યા હોવાની ઘટના દુકાનોમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થતા પોલીસે તસ્કરોનું પગેરું મેળવવાની કવાયત આરંભી છે.
ભરૂચ શહેરમાં સ્ટેશન રોડ ઉપર આવેલ અને સતત વાહનોથી અને લોકોથી ભરચક વિસ્તાર ગણાતો જાહેર માર્ગ ઉપર ચાર જેટલી દુકાનોના તાળા તૂટ્યા હોવાની ઘટના સામે આવી હતી.જેમાં સવારના સમય રાબેતા મુજબ પોતાના વ્યવસાય સ્થળે દુકાન ઉપર આવ્યા હતા તે દરમિયાન દુકાનોના તાળા તૂટેલા જોએ દુકાન સંચાલકો પણ ચોંકી ઉઠયા હતા અને ચોરી થઈ હોવાનું માલુમ પડતા દુકાનદારો તો એ ડિવિઝન પોલીસને જાણ કરી હતી.પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવી સ્ટેશન રોડ ઉપરના ગ્રીન ફાયબર કપડાની દુકાન, નો-નેએક્સ ગારમેન્ટ્સની દુકાન, ફેશન પોઈન્ટ ગારમેન્ટની દુકાન તથા અન્ય એક દુકાન મળી ચાર કપડાની દુકાનમાં તસ્કરોએ પોતાનો કસબ અજમાવ્યો હોવાની ઘટના સામે આવી હતી.
હજુ સ્ટેશન રોડ ઉપર પોલીસ દુકાનોમાં થયેલી ચોરીની તપાસ કરી રહી છે.ત્યાં સેવાશ્રમ રોડ ઉપર પણ કપડાની ચાર દુકાનોને તસ્કરોએ નિશાન બનાવ્યા હોવાની ઘટના સામે આવી હતી.જેના પગલે પોલીસ સેવાશ્રમ રોડ ઉપર તસ્કરોએ નિશાન બનાવી દુકાનમાં લાગેલા સીસીટીવી ફૂટેજમાં દેખાતા તસ્કરોનું પગેરું મેળવવા માટે પ્રયાસો શરૂ કર્યા હતા.સેવાશ્રમ રોડ ઉપર દુકાનમાં તસ્કરીની ઘટનાઓ બની હતી.જ્યારે અન્ય એક દુકાનમાં શટરનું તાળું તોડયા બાદ આગળના ભાગે કાચનું પાર્ટેશન હોવાના કારણે ચોરી કરવામાં નિષ્ફળ નિવડ્યા હતા અનેક ખાલી હાથે તસ્કરોએ પરત ફરવું પડયું હતું.પરંતુ અન્ય દુકાનોમાં હાથ ફેરો કરવામાં સફળતા મળી હતી.
એક જ રાતમાં આઠ દુકાનોને તસ્કરોએ નિશાન બનાવતા ભરૂચમાં તસ્કર ટોળકી સક્રિય થઈ હોય તેવી ચર્ચાઓએ ભારે જોર પકડયું છે.મધ્યરાત્રીએ દોઢથી બે વાગ્યાના ગાળામાં તસ્કરોએ કરીને અંજામ આપ્યો હોવાનું સીસીટીવી ફુટેજમાં કેદ થયું છે.જાહેર માર્ગો ઉપર રહેલી દુકાનોમાં તસ્કરો એ તસ્કરી કરવા માટેની હિંમત બતાવી હોય ત્યારે હવે પોલીસ તસ્કરોને કેટલા આ સમયગાળામાં દબોચી લેવામાં સફળતા મળે છે તે જોવું રહ્યું.
દિવાળી પૂર્વે જ કપડાની દુકાનોમાં ચોરીની ઘટનાઓ નોંધાતી હોય છે.? ભરૂચના સ્ટેશન રોડ અને સેવા આશ્રમ રોડ ઉપર માત્ર કપડાની દુકાન ને તસ્કરોએ નિશાન બનાવી છે અને દર દિવાળી પૂર્વે કપડાની દુકાનોમાં ચોરીની ઘટનાઓ સામે આવતી હોય છે.ત્યારે તાજેતરમાં ૮ દુકાનોમાં થયેલી કપડાની દુકાનમાં ચોરીની ઘટનામાં શું કપડા ની ચોરી કરી અન્ય બજારોમાં તસ્કરો વેચી રહ્યા છે ખરા તે પ્રશ્ન લોકોમાં પણ ચર્ચાનું બની ગયો છે હાલ તો ભરૂચમાં એક જ રાતમાં આઠ દુકાનોને તસ્કરોએ નિશાન બનાવતા વેપારીઓમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.