Western Times News

Gujarati News

ભરૂચમાં નવી મેડિકલ કોલેજ માટે સરકારે મંજૂરી આપી

ભરૂચ: રાજ્યમાં પ્રજાજનોના સ્વાસ્થ્ય સુવિધાઓનો વ્યાપ વધે તેમજ ઘર આંગણે તબીબી શિક્ષણની સુવિધા ઉપલબ્ધ થાય તે માટે ગુજરાત સરકારે અનેક પગલા લીધા છે. ત્યારે બ્રાઉન ફિલ્ડ મેડિકલ કોલેજ સ્થાપવા અંગેની રાજ્ય સરકારની નીતિ અંતર્ગત કેન્દ્ર સરકારના રાષ્ટ્રીય મેડિકલ કમિશન દ્વારા ગુજરાતના ભરૂચ જિલ્લામાં આવેલી ડૉ. કિરણ સી. પટેલ મેડિકલ કોલેજ અને રિસર્સ ઈન્સ્ટિટ્યૂટે ભરૂચ ખાતે મેડિકલ કોલેજ સ્થાપવા માટે દરખાસ્ત કરી હતી.

આ દરખાસ્તને ભરૂચ ખાતે નવી મેડિકલ કોલેજ સ્થાપવા માટે કેન્દ્ર સરકારે ૧૫૦ બેઠકો સાથે મંજૂરી આપી દીધી છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ અંગે વધુ વિગતો આપતા જણાવ્યુ કે, આ કોલેજે એમબીબીએસની ૧૫૦ બેઠકો મેળવવા અને દર્દીઓને વધુ સારી સારવાર-સુવિધા મળે તે માટે કેન્દ્ર સરકારમાં દરખાસ્ત કરી હતી,

જેને મંજૂરી મળતાં ભરૂચ ખાતે આ નવી કોલેજ કાર્યરત થશે. જેમાં હયાત હોસ્પિટલનું અપગ્રેડેશન કરીને ખૂટતા સાધનો તથા મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ધારાધોરણ મુજબની સગવડો ઉપલબ્ધ કરાવીને પ્રથમ તબક્કે ૩૦૦ પથારીની સુવિધા ઉપલબ્ધ બનશે.

આ કોલેજમાં પ્રથમ વર્ષે ૧૫૦ બેઠકો પર વિદ્યાર્થીઓને મેડિકલના અભ્યાસ માટે પ્રવેશ અપાશે. નાયબ મુખ્યમંત્રીએ વધુમાં મેર્યુ કે, હાલ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ૩૪ મેડિકલ કોલેજો કાર્યરત છે. ભરૂચ ખાતે આ નવી મેડિકલ કોલેજના નિર્માણ થકી ૧૫૦ બેઠકો ઉમેરાતાં હવે રાજ્યમાં અંદાજે ૬૧૫૦ જેટલી તબીબી શિક્ષણ માટેની બેઠકો ઉપલબ્ધ બનશે.

ઉલ્લેખનીય છે કે, અગાઉ રાજ્યના નર્મદા જિલ્લામાં રાજપીપળા ખાતે ૧૦૦ બેઠકો સાથેની નવી કોલેજને મંજૂરી મળી છે, ત્યારે રાજપીપળાની નજીકના ભરૂચ જિલ્લામાં વધુ ૧૫૦ બેઠકોની નવી મેડિકલ કોલેજ મળતાં આસપાસના વિસ્તારના પ્રજાજનોને વધુ સારી આરોગ્ય વિષયક સેવાઓ સરળતાથી મળી શકશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.